Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કલેકટર તરીકે રેમ્યા મોહન 'યુનિક'- કચ્છના બન્ની વિસ્તારના ૧૯ ગામોના લોકોએ આપ્યું ભવ્ય સન્માન સાથે વિદાયમાન

ભુજઃ અધિકારીની ખરી લોકપ્રિયતા લોકોના હૃદયમાં મેળવેલ માન, સન્માન અને આદર છે. હોદ્દો તો, તેમને સરકારની નિયુકિત દ્વારા મળી જાય છે, પણ, લોકપ્રિયતા તો, તેમણે લોકો માટે કામ કરીને મેળવવી પડે છે. કચ્છના પૂર્વ કલેકટર અને હાલે રાજકોટના કલેકટર તરીકે કાર્યરત રેમ્યા મોહન માટે કચ્છના બન્ની વિસ્તારના ૧૯ ગામોના લોકો દ્વારા અપાયેલ વિદાયમાન પ્રસંગે વ્યકત થયેલી લોકલાગણીએ તેમની લોકપ્રિયતાનો પરિચય કરાવ્યો હતો. ધોરડોના 'ગેટ વે ઓફ રણ રિસોર્ટ' મધ્યે યોજાયેલ વિદાય અને સન્માન સમારોહમાં ભાગ લેવા રેમ્યા મોહન ખાસ રાજકોટથી કચ્છ આવ્યા હતા. ધોરડોના સરપંચ મિયાં હુસેન, બન્ની વિસ્તારના આગેવાન મીરખાન મુતવા અને સિંધી સાહિત્યકાર કલાધર મુતવાએ કલેકટર તરીકેની રેમ્યા મોહનની માનવીય સંવેદનાભરી કામગીરી, લોકોને ઉપયોગી થવાનો તેમનો સ્વભાવ અને જિલ્લાના ઉચ્ચ અધિકારી તરીકે તેમના કાર્યકાળ દરમ્યાન થયેલા કામો વિશે વાત કરી પોતપોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. સાહિત્યકાર કલાધર મુતવાએ જણાવ્યું હતું કે, જે રીતે કચ્છનો બન્ની વિસ્તાર યુનિક છે, એ રીતે રેમ્યા મોહન પણ કલેકટર તરીકે યુનિક હતા. પોતાના સન્માન બદલ બન્ની વિસ્તારના સૌ ગ્રામજનોનો ઋણ સ્વીકાર કરતાં રેમ્યા મોહને જણાવ્યું હતું કે, જે રીતે કચ્છી માડુઓની જીવનશૈલી, સંસ્કાર પ્રેમ અને લાગણી આપવાના છે, એજ પ્રમાણે મને અહીંથી મળેલ પ્રેમ, લાગણી ક્યારેય નહીં ભુલાય. માત્ર વિદાયમાન નહીં પણ, સન્માનપૂર્વક મને અહીં અપાયેલ વિદાયમાન હમેંશા મારા દિલમાં રહેશે. આ પ્રસંગે ગેટવે રિસોર્ટના મેનેજર હાર્દિકભાઈ, અછતના નાયબ કલેકટર એન.યુ. પઠાણ, નીરવ પટ્ટણી, હજીપીરના અબ્દુલ્લાબાવા મુજવર સહિત બન્ની વિસ્તારના ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)