Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોડીનારનાં આલીદરનાં અઢી મહિનાનાં વિવાનને ધૈર્યરાજ જેવી બિમારી : ૧૬ કરોડના ઇન્જેકશન માટે સહાયની જરૂર

(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા. ૨૫: કોડીનાર તાલુકાનાં આલીદર ગામે અઢી માસનાં વિવાન નામનો બાળક ગંભીર બીમારીથી પીડાય રહ્યો છે. SMA (સ્પાઈન મસકયુલર એટ્રોફી) નામની ગંભીર બીમારીને લઈ બાળક વિવાન સહિત ચાર લોકોનાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાને લઈ ચિંતિત બન્યા છે.અશોકભાઈના કહેવા મુજબ થોડા સમય પહેલા પોતાનો પુત્ર વિવાન બીમાર પડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જૂનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જયાથી આ બાળક નો રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાન ધૈર્યરાજ જેવી sma સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની બીમારીથી પીડાય રહ્યો છે. જે બિમારી ધૈર્યરાજને પણ હતી તેજ બીમારી વિવાનને પણ થઈ છે. ભાગ્યેજ જોવાં મળતી SMA નામની બિમારીથી વિવાન ને બચાવવા ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપવું પડશે.તેવું નિષ્ણાતો એ જણાવ્યું છે.

કહેવાય છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે.અને છતાં બાળકોને પણ અસાધ્ય અને ગંભીર બીમારી કેવી રીતે લાગુ પડે છે તે જ સમજાતુ નથી.અઢી માસનાં બાળકને જયારે ગંભીર બીમારી લાગુ પડે ત્યારે સ્વજનો તો ઠીક પરંતુ દરેક વ્યકિતનું હૃદય દ્રવી ઉઠે છે.વિવાન ના પિતાનું નામ અશોક ભાઈ વાઢેળ છે જે ગીર સોમનાથનાં આલીદર ગામે રહે છે.અશોકભાઈ કચ્છમાં એક ખાનગી કંપનીમાં જોબ કરે છે.અને તેમને માસિક ૧૮ હજાર રૂપિયા પગાર મળે છે.જેમાં તે પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે પોતાનાં વ્હાલસોયા વિવાન ને sma ની બીમારીથી બચાવવા ૧૬ કરોડ રૂપિયા કયાંથી લાવવા..? તે સૌથી મોટો સવાલ છે. તેમની હિંમત તૂટી ગઈ છે. આખરે અશોકભાઈએ સોશ્યિલ મીડિયા ના માધ્યમથી ગુજરાત અને દેશનાં લોકો ને પોતાના બાળકની જિંદગી બચાવવા મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. ધૈર્યરાજ જેવી બિમારી લાગુ પડતા પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે.

(11:49 am IST)