Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મોરબીની વિવિધ સોસાયટીના રહીશોની પાણી, ગટર અને સફાઇના મુદે ઉગ્ર રજૂઆત

મોરબી, તા.૨૫:  પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે અને પાલિકા કચેરીએ અવારનવાર ટોળા દોડી આવતા હોય છે જેમાં આજે વોર્ડ નં ૦૧ની વિવિધ સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

મોરબીના વોર્ડ નં ૦૧ની ન્યુ કુબેરનગર, મારૂતિનગર, કૃષ્ણનગર, શ્રદ્ઘાપાર્ક સહિતની સોસાયટીના રહીશો આજે રોડ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પાલિકા કચેરી પહોંચ્યા હતા અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી જેમાં આ તમામ સોસાયટીમાં ચોમાસા દરમિયાન નર્કાગાર જેવી સ્થિતિ સર્જાતી હોય છે અને રોડ રસ્તા બનાવવાની માંગ કરી હતી તે ઉપરાંત વિસ્તારમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન કાયમી રહીશોને સતાવે છે વિસ્તારનો મુખ્ય રસ્તો બંધ છે અને જયાંથી રસ્તો પસાર થાય છે ત્યાં મોટો વોકળો આવેલ છે જે વોકળામાં પાકું નાળું બનાવી રસ્તો સત્વરે ચાલુ કરાવવાની માંગ કરી હતી.

 વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વેરા વસુલાત કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં ઉદાસીનતા દાખવે છે અને આ વિસ્તારને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે રોડ રસ્તા, પાણી અને ગટર સહિતના પ્રશ્ને તાકીદે યોગ્ય પગલા નહી ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન, નગરપાલિકાને તાળાબંધી સહિતના આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

(11:54 am IST)