Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસ- અમેરિકાના એરપોર્ટની કચરાપેટી માં છબીલ પટેલે મોબાઈલ ફેંક્યા?ઈનોવા કાર કોની?ભચાઉ કોર્ટ દ્વારા ૩ દિ'ના રિમાન્ડ મંજુર

વિનોદ ગાલા દ્વારા(ભુજ) જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે વધુ તપાસ માટે છબીલ પટેલ ને ભચાઉ કોર્ટમાં રજૂ કરીને વધુ ૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ગત, ૧૪/૩ ના પોલીસે છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ તેમણે ૧૫/૩ ના ભચાઉ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન છબીલ પટેલ પોલીસને સહકાર આપતા નથી તેમ જ અમુક મહત્વની માહિતી તેમની પાસે થી મેળવવાની બાકી હોવાનું જણાવીને ૪ દિવસના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસની રજૂઆતને પગલે કોર્ટે ૩ દિવસના વધુ રિમાન્ડ મંજુર કર્યા છે. 

 છબીલ પટેલ પોલીસથી શું છુપાવી રહ્યા છે? જાણો પોલીસની શું છે રજુઆત..

ધરપકડ બાદ ૨૨ મુદ્દાઓની પોલીસની રજૂઆતને પગલે કોર્ટે ૧૦ દિ'ના રિમાન્ડ મંજુર કર્યા હતા. પણ, ૧૦ દિવસ ની પૂછપરછમાં પોલીસ છબીલ પટેલ પાસેથી અમુક મહત્વની માહિતી કઢાવવામાં નિષ્ફળ રહી હતી. જે માહિતી મેળવવા અંગે સીટ ની તપાસ ટીમ વતી પશ્ચિમ રેલવે રાજકોટના વિભાગીય પોલીસ અધિકારી પી. પી. પીરોજીયાએ ભચાઉ કોર્ટ મધ્યે રજુઆત કરી હતી.

 છબીલ પટેલે પોતે બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ અમેરિકાના એરપોર્ટમાં કચરાપેટીમાં નાખી દીધા હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે કોર્ટમાં રજુઆતમાં જણાવ્યું છે કે, જેન્તીભાઈ હત્યા કેસની તપાસમાં છબીલ પટેલના બન્ને મોબાઈલ તેમ જ ત્રણ સિમ કાર્ડની જરૂરત છે. 

 હત્યા કરનાર શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે, અશરફ શેખે પોલીસને આપેલા બ્યાન પ્રમાણે તેમને છબીલ પટેલે બે મોબાઈલ સિમ કાર્ડ આપ્યા હતા. પણ, છબીલ પટેલ આ વાત પોલીસ પાસે કબૂલી નથી.

 હત્યારા શશીકાંત કામ્બલેને અમદાવાદ ના ગોતા વિસ્તારમાં છબીલ પટેલે ફ્લેટ ભાડે અપાવ્યો હતો, તે વાત સાહેદ આલોપ પટેલે કહી છે. તે ફ્લેટ વિશેની માહિતી અને ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ તેની પૂછપરછ કરવાની બાકી છે.

મનીષા અને સુજીતભાઉ ના રોલ વિશે માહિતી આપવાને બદલે છબીલ પટેલ ગોળ ગોળ વાત કરે છે. તે માહિતી પૂછવાની બાકી છે. શૂટર શશીકાંત કામ્બલે અને સહ આરોપી મનીષા ગોસ્વામી, સુજીત ભાઉ કટરા માં મળ્યા હતા, તે વિશેની માહિતી મેળવવાની બાકી છે.

જેન્તીભાઈની હત્યાના ૧૦ દિવસ આગળ શૂટર શશીકાંત કામ્બલે પોતે છબીલ પટેલ સાથે ઇનોવા કારમાં કચ્છ આવ્યો હોવાનું કબૂલે છે. પણ, એવી કોઈ ઇનોવા કાર પોતાની પાસે હોવાનો છબીલ પટેલ ઇનકાર કરે છે. એ ઇનોવા કાર કોની? એ માહિતી મેળવવાની બાકી છે.

નવી મુંબઈ ના ઇનોર બીટ મોલ માં શૂટરો શશીકાંત અને અશરફને પાંચ લાખ ₹ કોઈ અજાણ્યો વ્યક્તિ આપી ગયો. આ અજાણ્યો વ્યક્તિ છબીલ પટેલ સાથે વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. પણ, છબીલ પટેલ આ વાત નકારે છે, એ જાણવા તેમની પૂછપરછ જરૂરી છે.

જેન્તી ભાનુશાલીની હત્યામાં કુલ કેટલા આરોપીઓ સામેલ છે, પોલીસને તે માહિતી છબીલ પટેલ પાસેથી મેળવવાની હજી બાકી છે.

(6:35 pm IST)