Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ઉપલેટાના કોલકી ગામમાં હાલારી ગધેડાઓને બચ્ચાઓ માટે ખાસ વધામણી કાર્યક્રમ યોજાયો

નવા જન્મેલા બચ્ચાઓને ચુંદડી ઓઢાડી, ફુલમાળા પહેરાવી વધામણી કરાઈ :હાલારી ગધેડાની દિન-પ્રતિદિન ઘટતી નસલને બચાવવા માટે ગદર્ભ સંવર્ધન સમિતિ દ્વારા આયોજન

ઉપલેટાના કોલકી ગામમાં હાલારી ગધેડાઓને બચ્ચાઓ માટે ખાસ વધામણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા નવા જન્મેલા બચ્ચાઓને ચુંદડી ઓઢાડી, ફુલમાળા પહેરાવી વધામણી કરવામાં આવી હતી. હાલ હાલારી ગધેડાની નસલ દિન-પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે આ લુપ્ત થતી નસલને બચાવવા માટે ગદર્ભ સંવર્ધન સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતુ

  આ સમારંભમાં ભરવાડ સમુદાયના અંદાજિત ૧૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં હાલારી ગધેડાનું ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ગયા વર્ષે હાલારી ગધેડાના સંરક્ષણના માટે ગોદભરાઈ(સીમંત) સમારંભનું આયોજન કર્યું હતું, ગયા વર્ષે જે હાલારી માદા ગદર્ભની ગોદભરાઈ કરાઈ હતી તેના બચ્ચાઓનો જન્મ થતા આ બચ્ચાઓના જન્મની વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દવારા રંગે ચંગે અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. માલધારી બહેનો દ્વારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે, તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ) તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને જન્મની વધામણી કરવામાં આવી હતી. જયારે માલધારી ભાઈઓ દવારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને વધામણી કરાઈ હતી.

(1:07 am IST)