Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાજપ સરકારે બજેટમાં મોંઘવારીમાં રાહત આપવાનો પ્રયાસ નહીં કરીને જનતાની આશાઓ ઉપર પાણી ફેરવ્‍યું

પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ રાજયના બજેટને નિરાશાજનક ગણાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૫ : ગુજરાત રાજયના બજેટમાં મંદી અને મોંઘવારીમાંથી રાહત આપવાનો કોઇ પ્રયાસ જ ના કરી ભાજપ સરકારે જનતાની આશાઓ ઉપર પાણી ફેરવ્‍યું તેમ કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ બજેટનના પ્રતિભાવમાં જણાવ્‍યું છે.

ધારાસભ્‍ય અર્જુનભાઇએ જણાવેલ કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ગુજરાત રાજયનું બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રજુ કર્યું છે. આ બજેટ ગુજરાતની જનતાને નિરાશ કરનાર છે અને દેવું કરીને ઘી પીવાની ભારતીય જનતા પાર્ટીની જે વૃતિ છે. તેને આગળ વધારનાર છે. ગુજરાતની જનતા અપેક્ષા રાખી રહી હતી કે અત્‍યારે જે મંદી અને મોંઘવારીનો માર પડી રહ્યો છેફ તેમાંથી બહાર લાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજયના બજેટમાં કરશે. જો કે ભાજપ સરકારે આવો કોઇ જ પ્રયાસ ના કરીને જનતાને આશાઓ ઉપર પાણી ફેરવી નાખ્‍યુ છે. જે જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્‍યો છે. તેનાથી મધ્‍યમ વર્ગના લોકો માટે માત્ર મકાન લેવું જ નહીં મકાનમાં ભાડે રહેવું પણ મોંઘું થશે.

વીજળીના કાયદામાં જે ફેરફાર કર્યો છે. તેનાથી વીજળી પણ હજી મોંઘી બનશે. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, વીજળી, ગેસ સિલેન્‍ડરનાં ભાવ આસમાને પહોંચ્‍યા છે. તેનાથી રાહત આપવાનો કોઇ પ્રયત્‍ન થયો નથી તેમ અર્જુનભાઇ મોઢવાડિયા જણાવેલ છે.

(12:56 pm IST)