Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કચ્છના ગ્રામીણ હસ્તકળા કારીગરોની સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

 કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુશ્રી રેખા શર્માએ ગ્રામીણ હસ્તકળા કારીગરો સાથે મુલાકાત કરી હતી. ભુજના ભુજોડી ગામની મુલાકાત લઈ પરંપરાગત રીતે કચ્છની વણાટકામની કલા વિશે તેઓએ વિગતવાર માહિતી કારીગરો પાસેથી મેળવી હતી. બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતા વણાટકામની અધ્યક્ષાશ્રીએ પ્રસંશા કરી હતી અને કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

  ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ્ મેમોરિયલની મુલાકાત તેઓએ લીધી હતી. તેઓએ વંદે માતરમ્ મેમોરિયલ પરિસરમાં સ્થિત ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને ખાવડા પેઈન્ટ પોટરી, હાથવણાટ કામ, ખરડ કલા, બ્લોક પ્રિન્ટિંગ, વાંસ ક્રાફટ, ચર્મકામ તેમજ માટી આભલા કલા વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુશ્રી સુલોચના પટેલ, હેન્ડીક્રાફ્ટના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી રવિવીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

(10:13 am IST)