Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગરવી-૨ પોર્ટલમાં દસ્તાવેજ નોંધણી માટે એપોઇનમેન્ટ સ્લોટમાં વધારો કરો : મોરબી રેવન્યુ બાર એસો.ની માંગ.

રેવન્યુ બાર એસો દ્વારા નોંધણી નિરીક્ષકને રજૂઆત કરવામાં આવી.

મોરબી : ગરવી-૨ પોર્ટલમાં દસ્તાવેજ નોંધણી માટે એપોઇનમેન્ટ લેવા માટેના સ્લોટની સંખ્યામાં વધારો કરવા અને નોંધણીની કામગીરી માટે સવારે ૯ થી સાંજે ૦૭ : ૩૦ સુધીનો સમય કરવા માટે રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા માંગ કરવામા આવી છે

  રેવન્યુ બાર એસોના પ્રમુખ પીયુષ એમ રવેશિયાએ સબરજીસ્ટ્રાર કચેરી મોરબીના નોંધણી નિરીક્ષકને રજૂઆત કરી જણાવ્યું છે કે આગામી તા. ૧૫ એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થવાની સરકારના ઠરાવની હકીકતથી આપ વાકેફ છો અને નાણાકીય વર્ષ પૂરું થવામાં હોય દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી માટે લોકોનો ઘસારો રહેતો હોય છે જે બંને કારણોથી હાલ દસ્તાવેજ નોંધણીના ટોકન-એપોઇનમેન્ટ બૂક થવાની સંખ્યામાં ખુબ વધારો થયો છે અને હાલ તા. ૦૧ માર્ચ સુધીના ટોકન બૂક થઇ ગયા છે અને વેઈટીંગ વધતું જાય છે જેથી ટોકન સ્લોટની સંખ્યામાં વધારો કરવાની વડી કચેરીએ દરખાસ્ત કરવામાં આવે અને નોંધણી કામગીરી માટે સવારે ૯ થી સાંજે ૦૭ : ૩૦ સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે
  જો સત્વરે સ્લોટની સંખ્યામાં વધારો કરવામાં નહિ આવે અને નોંધણી કામગીરી માટે કચેરીના સમયમાં વધારો કરવામાં નહિ આવે તો મોટી સંખ્યામાં દસ્તાવેજ નોંધણી કરાવવા ઇચ્છતા લોકોને હાડમારીનો સામનો કરવો પડશે અને તા. ૧૫ એપ્રિલથી જે નવા જંત્રીના દર અમલમાં આવનાર છે તેમાં વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટીનું ચુકવણું કરવાની ફરજ પડશે જેથી લોક હિતાર્થે ટોકન સ્લોટની સંખ્યામાં વધારો કરવામાં આવે અને દસ્તાવેજ નોંધણી માટે કચેરીના સમયમાં વધારો કરવા એસો દ્વારા માંગ કરવામાં આવી છે

(11:22 pm IST)