Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગોંડલમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા નગરસેવક કલાકો સુધી ગુમ રહ્યા બાદ મળી આવ્યા..

પોતે ઘરે નહિ આવે તેવો ફોન કરતા પરિવારજનો ચિંતામાં મુકાયા'તાઃ પોલીસની મદદથી જામનગરથી મળી આવ્યા

ગોંડલ,તા.૨૫:  નગરપાલિકાના સદસ્યોની જાણે માઠી દશા બેઠી હોય તેમ તાજેતરમાં શ્રમિક યુવાનની હત્યામાં બે સદસ્યો જેલ હવાલે થયાની સાહિ હજુ સુકાઈ નથી ત્યાં જ બહોળો મિત્ર વર્ગ ધરાવતા પાલિકાના એક સદસ્ય વ્યાજના વિષ ચક્રમાં ફસાયા હોય કલાકો સુધી અચાનક ગુમ થતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.જો કે, બાદમાં મળી આવતા પરિવારજનો રાહતનો દમ ખેચ્યો હતો.

પાલિકાના સદસ્ય કલાકો સુધી અચાનક ગુમ થયા બાદ બનાવ અંગે ભાજપના આગેવાનો ને જાણ થતાં ગુમ થયેલ સદસ્યની શોધ ખોળ કરવા તુરંત મોબાઈલ અને ટેલિફોન થી સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા અને પોલીસ ની એક ટીમ ની મદદ પણ લેવાઈ હતી દરમ્યાન સદસ્ય જામનગર પાસે થી મોડી રાત્રે હેમખેમ મળી આવતા સમજાવી ઘરે પરત લાવવામાં આવ્યા હતા.

પાલિકા વર્તુળોના જણાવ્યા અનુસાર બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને સ્વાદના શોખીનો માં જાણીતા એવા આ સદસ્ય છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હોય અને રાજકોટના મોટા માથા પાસેથી ઉંચી ટકાવારી એ મોટી રકમ વ્યાજે લીધી હોય વ્યાજના વિષચક્રમાં ફસાઈ જવા પામ્યા હતા અને ઘરે ન આવવાનો નિર્ણય લીધો હતો પરંતુ આગેવાનોની સમજાવટથી ઘીના ઠામમાં ઘી પડતા સર્વે એ રાહત અનુભવી હતી.

(11:52 am IST)