Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

મોરબીના રાષ્ટ્રભકત યુવાન લોરીયાનું કેબીનેટ મંત્રી રાદડીયાના હસ્તે સન્માન

મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ અને રાષ્ટ્રભકત અજય લોરીયાએ ૧.૧૦ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડીને પુલવામાંના શહીદોના પરિવારોને રૂ. ૫૮ લાખની સહાય હાથોહાથ અર્પણ કરી છે. તેઓની આ અમુલ્ય સેવા બદલ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તેમનું સન્માન કર્યું હતું. સાથોસાથ તેઓની દેશસેવાની સરાહના પણ કરી હતી.

મૂળ વાઘપર- પીલુડી ગામના અને મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને યુવા વયે જ ઉદ્યોગ ક્ષેત્રે આગવી ઓળખ બનાવનાર અજય લોરીયાએ દેશના શહીદો માટે એક અમુલ્ય સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. તેઓ એક ઉદ્યોગપતિ તરીકે નહિ પરંતુ દેશપ્રેમી તરીકે સૌ કોઈના લોકપ્રિય બન્યા છે. એક વર્ષ પૂર્વે પુલવામાં ખાતે જવાનો શહીદ થયાની હદયદ્રાવક દ્યટના બની હતી. આ દ્યટના બાદ શહીદ થયેલા જવાનોના પરિવારને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓનીની મદદ અર્થે મોરબીમાં ઠેર ઠેર ફંડ એકત્ર કરવાનું કામ શરૂ થયું હતું.

મોરબીના દાતાઓએ દરિયાદિલે સહાય અર્પણ કરીને મોટો ફાળો એકત્ર કર્યો હતો. ત્યારે મોરબીના અજયભાઈ લોરીયાએ પણ માતબાર રકમની સહાય આપવાની સાથે ફાળો શહીદોના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. તેઓએ અત્યાર સુધીમાં ૧.૧૦ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડીને શહીદ પરિવારોને રૂ. ૫૮ લાખનો ફાળો અર્પણ કર્યો છે. તેઓની આ કામગીરી બદલ વાઘપર ગામે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ઉદ્દઘાટન સમારોહ વેળાએ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તેઓને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

(11:48 am IST)