Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હળવદના કવાડિયા ગામમાં ગૌવંશ ઉપર એસિડ એટેક : બોરડી ગામમાં ધારીયાનો ઘા ઝીંકયો

હુમલો કરનારા તત્વો સામે તાત્કાલિક પગલા ભરવા જીવદયા પ્રેમીઓની માંગણી

હળવદ તા. ૨૫ : તાલુકાના કવાડીયા ગામે બે ગૌવંશ પર એસિડ વડે હુમલો કરાયો હતો.જયારે તાલુકાના બોરડી ગામે એક ગૌવંશ ને ધારિયાના ઘા માર્યા હતા જેના કારણે ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ખરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે ગઈકાલે બે ગૌવંશ પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જયારે તાલુકાના બોરડી ગામે એક ગૌ વંશને ધારિયાના ઘા જીકાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી છે.

ત્રણેય ગૌવંશને દર્દથી કણસતી હાલતમાં સારવાર માટે હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ એસીડ વડે હુમલો કરાયેલા બંને ગૌવંશની ચામડી મોટાભાગની ઉતરી ગઈ હોય જેથી વધુ સારવારની જરૂર હોય માટે મોરબીની યદુનંદન ગૌશાળા ખાતે ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

હળવદમાં ઘણા સમયથી ગૌવંશ પર હુમલા થવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જો કે નહીં નવાઈની વાત એ છે કે પાછલા કેટલાક દિવસોથી જે ગૌ વંશપર હુમલા કરવામાં આવ્યા છે. તેમાં આજદિન સુધી હુમલા કરનાર એક પણ શખ્સ ઝડપાયો નથી જેથી પંથકમાં અવારનવાર ગૌવંશ પરના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કવાડિયા ગામ નજીક ગૌવંશ પર એસીડ વડે હુમલા કરિયાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગઇકાલે તાલુકાના જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર જીવલેણ હુમલા થતા ગૌ પ્રેમીઓમાં હુમલો કરનાર શખ્સો પર ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે અને માંગ કરી રહ્યા છે કે આવા તત્વો પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

(11:46 am IST)