Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કચ્છમાં ૯ હજાર આયુષ્યમાન કાર્ડ બોગસ હોવાની શકયતા વચ્ચે બ્લોક : તબીબ સહિત ચાર વિરૂધ્ધ કાર્યવાહી

સૌથી વધુ ૭૬૨૯ બોગસ કાર્ડ રાપરમાં : પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

ભુજ તા. ૨૫ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી લોકપ્રિય યોજના આયુષ્યમાન ભારત હેઠળ બોગસ કાર્ડ બની રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે કચ્છમાં તપાસ શરૂ કરાઇ છે.

કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે કચ્છમાં અત્યાર સુધી ૧.૫૫ લાખ આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ અપાયા છે. જે પૈકી ૯૩૧૦ જેટલા આયુષ્યમાન ભારત કાર્ડ બોગસ હોવાની શકયતા વચ્ચે બ્લોક કરાયા છે.

જેમાં સૌથી વધુ બોગસ કાર્ડ રાપરમાં ૭૬૨૯, ભચાઉમાં ૮૩૫, માંડવીમાં ૫૭૫, ભુજમાં ૨૭૧ છે. આ સમગ્ર કૌભાંડ સંદર્ભે પોલિસ ફરિયાદ કરાઈ છે તેમ જ કચ્છ જિલ્લા પંચાયત દ્વારા પણ તપાસ કરાઇ છે. જે અંતર્ગત રાપરના ફતેહગઢ પ્રા. આરો. કેન્દ્રના તબીબને છુટા કરી દેવાયા છે.

જયારે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સામે પોલીસ ફરિયાદ કરી તેમની વિરુદ્ઘ કાયદાકીય પગલાં ભરી સસ્પેન્ડ કરાયા છે. હજી એક ફિમેલ હેલ્થ વર્કર વિરુદ્ઘ ચાર્જશીટ દાખલ કરી તેમની સામે તપાસ ચાલુ છે. હજીયે વધુ કાર્ડ બોગસ નીકળે તેવી શકયતાઓ વચ્ચે તપાસ ચાલુ છે.

(11:44 am IST)