Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જૂનાગઢના બેન્ક કલાર્ક પટેલ યુવાને સહ કર્મચારી યુવતિ સાથે ઉમિયા ધામમાં લગ્ન કરી બળાત્કાર ગુજારી તરછોડી દીધી

પતિ-પત્નિ તરીકે ઓળખ આપી અમદાવાદની હોટલમાં અવાર-નવાર દુષ્કર્મ આચર્યુઃ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

ધોરાજી તા.ર૪ : ધોરાજીની લોહાણા યુવતીને જુનાગઢના પટેલ શખ્સએ ૨૦૧૪માં સંપર્કમાં આવ્યા બાદ ર૦૧૬માં લગ્નની લાલચ આપી અમદાવાદ હોટલમાં પતિ-પત્નિની ઓળખ આપી દુષ્કર્મ આચરી શારીરિક સંબંધો બાંધી બાદ ગાંઠીલા ઉમિયા ધામમાં માતાજીની સાક્ષીમાં લગ્ન કરી બાદ વિશ્વાસઘાત કરી સંબંધ તોડી નાખ્યા અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધોરાજીના પીઆઇ વી.એમ.ભોરણીયાએ તપાસ હાથ ધરેલ છે.

સ્ટેશન રોડ ખાતે રહેતી લોહાણા યુવતીએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવતા જણાવેલ કે ધોરાજીમાં આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાન્ચ ડેવલોપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી લોહાણા યુવતીને એમની સાથે બેન્કમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ભૌતિક જસમતભાઇ દેકીવાડીયા પટેલ રહે.અમીરાજ દયાનંદ પાર્ક ગાયત્રી સ્કુલ પાછળ ઝાંઝરડા રોડ-જુનાગઢવાળા સાથે ર૦૧૪માં સંપર્ક થયો હતો બાદ પ્રેમ સંબંધ બંધાયેલ અને અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ ગયેલ તે દરમ્યાન ભૌતિક યુવતીને જુનાગઢ જીલ્લાના ગાંઠીલા ગામ ઉમિયા માતાજીના મંદિર ખાતે લઇ ગયેલ અને ત્યાં મંદિરમાં ઉમિયા માતાજીની પ્રતિમા સમક્ષ યુવતીને પત્નિ તરીકે સ્વીકારી અને યુવકે યુવતીના માથામાં સેથામાં સિંદુર ભરી હારતોરા કરી લોહાણા યુવતીને વિશ્વાસ અને ભરોસો આપેલ અને જણાવેલ કે આજથી તુ મારી પત્નિ છે ચાર ફેરા ફરી લેશુ.બાદ અમદાવાદ ખાતે ગઇ તા.૩૧-પ-ર૦૧૬માં ભૌતિક લોહાણા યુવતિને 'હોટલ કદમ ઇન' નામની હોટલમાં લઇ જઇ પતિ પત્નિ તરીકે ઓળખ આપી અને હોટલના રૂમમાં લઇ જઇ હવે આપણે કાયદેસરના લગ્ન કરી લેશુ. લગ્ન કરવાનુ વચન આપી બે દિવસ સુધી યુવતીની ઇચ્છા વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધેલ હતો બાદ તા.૧૩-૮-ર૦૧૬ થી ૩૦-૧૧-૧૬ સુધી અવાર-નવાર અમદાવાદ હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધેલ બાદ ધોરાજી મુકી જતો અને લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કરી દુષ્કર્મ અવાર-નવાર આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે ફરિયાદ લખાવતા જુનાગઢના પટેલ શખ્સ વિરૂધ્ધ તપાસ હાથ ધરેલ છે.(૩-૮)

 

(4:47 pm IST)