Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

દ્વારકામાં પબુભા માણેકનું ફોર્મ રદ્દ ન થાય તે માટે ભાજપ હાઈકમાન્ડે જામનગરના ધૂરંધર ધારાશાસ્ત્રીઓની મદદ લીધી

 જામનગર, તા. ૨૪ :. દેવભૂમિ દ્વારકા વિધાનસભા બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય પબુભા માણેક અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા વચ્ચે આ વખતે સીધો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારી પત્રમા ભૂલ હોવા અંગે તંત્રને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી અને આખો દિવસની ધમાલ બાદ જામનગરના હોનહાર વકીલોની દલિલો બાદ મામલો થાળે પડયો હતો અને પબુભા માણેકનુ ફોર્મ માન્ય રહ્યુ હતું.

પબુભા માણેકનું ફોર્મ રદ્દ કરવાની માંગ સાથેની અરજી પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવતા ભાજપ હાઈકમાન્ડે જામનગરના સિનીયર એડવોકેટ અને ગુજરાત બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ મનોજભાઈ અનડકટ (મો. ૯૬૩૮૫૧૫૧૪૭) અને એડવોકેટ વસંતભાઈ ગોરીને દ્વારકા મોકલ્યા હતા અને આ મામલે નિવેડો લાવવા સૂચના આપી હતી.

ચૂંટણી અધિકારીઓ સમક્ષ જામનગરના સિનીયર એડવોકેટ અને ગુજરાત બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ મનોજભાઈ અનડકટ અને એડવોકેટ વસંતભાઈ ગોરીએ બે કલાકની ધારદાર દલિલો અને રાજ્યની ચૂંટણી સમયના ચૂકાદાઓ, સુપ્રીમ કોર્ટના આદેશો સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સામાપક્ષે મેરામણભાઈ ગોરીયા વતી જાણીતા એડવોકેટ વી.એચ. કનારાએ પણ ધારદાર દલીલો કરી હતી.

લાંબી પ્રક્રિયા બાદ પબુભા માણેકના વકીલોની દલીલો માન્ય રાખવામાં આવી હતી અને પબુભા માણેકનું ફોર્મ માન્ય રહ્યુ હતુ અને ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતું.

(4:50 pm IST)