Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

નેનો કાર પ્રોજેકટ માટે મોદીજીએ માછીમારોની સબસીડી બંધ કરીઃ રાહુલ ગાંધી

મનની વાત કહેવા નહીં લોકોના મનની વાત જાણવા આવ્યો છું: ઉદ્યોગોના પ્રદુષણને લીધે માછીમારોને દૂર સુધી ફિશીંગ કરવા જવુ પડે છેઃ માછીમારોને અન્યાય સામે સરકારની ઝાટકણી કાઢતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ

પોરબંદર શ્રીનાથજી હવેલીના દર્શને રાહુલ ગાંધીઃ વિજય ભવઃ ના આશિર્વાદઃ કાર્યકરો સાથે મુલાકાતઃ પોરબંદરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોરબંદરના મહેમાન બન્યા હતા. પોરબંદરની વૈષ્ણવોની સુવિખ્યાત શ્રીનાથજી હવેલી ખાતે તેઓએ દર્શન કર્યા હતા. જ્યાં મુખ્યાજી પ્રકાશભાઈએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ અને વિજય ભવઃ ના આશિર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને મળીને હાલચાલ પૂછયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

 પોરબંદર, તા. ૨૪ :. જૂના બંદર કાંઠે માછીમારોના પ્રશ્નો સાંભળવા આવેલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ માછીમારોને સંબોધતા પહેલા જય રામદેવજી.. કહ્યુ હતુ ત્યાર બાદ રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, ગુજરાતમાં રોેજગારીના નામે નેનો કાર પ્રોજેકટ લાવવા મોદીજીએ ૩૫ હજાર કરોડ ચૂકવ્યા છે. બીજી બાજુ માછીમારોને મળતી સબસીડી બંધ કરી દીધી છે.

કોંગ્રેસની સરકાર હતી ત્યારે માછીમારો માટે શરૂ કરેલ ડીઝલ સબસીડી વર્તમાન સરકારે બંધ કરી દીધી છે.

માછીમારોની સબસીડીના ૩૦૦ કરોડ સરકારે ઝુંટવી લીધા છે નેનો કાર પ્રોજેકટ માટે ૩પ હજાર કરોડ ચુકવ્યાં છે ત્યારે માછીમારોના લાભ માટે પુરતા રૂપિયા અપાતા નથી.

સરકારે દેશના ટોચના ૧૦ ઉદ્યોગપતિઓના ૧ લાખ ૩૦ હજાર કરોડ માફ કર્યા છે.

જીએસટી અંગે રાહુલ ગાંધીએ જણાવેલ કે સરકારે કાળાના નાણા ડામવા માટે લોકોને લાઇનમાં ઉભા કરી દીધેલ તેમ કહીને કોંગ્રેસના સમયમાં આવી લાઇન કદી જોયેલ... ? પ્રશ્ન કરેલ હતો.

રાહુલ ગાંધીએ કહેલ કે દર મહિને મનની વાત કહેવા નહીં પરંતુ લોકોના મનની વાત જાણવા આવેલ છું કોંગ્રેસ સરકાર આવશે તો માછીમારો સહિત લોકોના પ્રશ્નો હલ આવશે.

જુના બંદર કાંઠે રાહુલ ગાંધીએ બોટ ઉપરથી માછીમારોને સંબોધન કર્યુ હતું. સમારંભમાં પ્રભારી અશોક ગહેલોત, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ચૌહાણ, સિદ્ધાર્થ પટેલ વગેરે હાજર રહેલ.

સમારંભમાં પ્રારંભે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાણિયાએ જણાવેલ કે પાકિસ્તાન પાસે અપહરણ કરાયેલ ભારતીય બોર અને માછીમારોને છોડાવવા કોંગ્રેસ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં સોનીયાજી અને રાહુલ ગાંધીને વખતોવખત રજુઆતો કરી હતી. ભારે માછીમારો માટે પ્રથમ ૩૦ લાખ અને ત્યારબાદ ર૦ લાખ મંજુર કરાવ્યા હતા.

સમારંભમાં પ્રદેશ પ્રમુખ ભરતભાઇ સોલંકીએ જણાવેલ કે પાકિસ્તાન જેલમાં સાબડના માછીમારોને છોડાવવા કોઇ નેતા આવતા નથી અને ચૂંટણી સમયે મત લેવા માછીમારો પાસે કેટલાક નેતા આવી જાય છે. માઇનીંગ ઉદ્યોગનો લાભ મુઠ્ઠીભર લોકોને મળે છે. સમારંભમાં અશોક ગહેલોતે જણાવેલ કે કોંગ્રેસ સરકાર પુનઃ ચૂંટાઇને આવશે અને રાહુલ ગાંધી ફરી પોરબંદર આવશે.આભાર વિધી કોંગ્રેસ્ જિલ્લા પ્રમુખ જીતુભાઇ આગઠે કરી હતી. (૨-૨૪)

અમારી સરકાર હોવા છતાં તમારી સમક્ષ રજૂઆત કરવા આવવુ પડે છેઃ ભાજપના કાર્યકરનો વસવસો

 પોરબંદર, તા. ૨૪ :. અમારી સરકાર હોવા છતાં તમારી સમક્ષ રજુઆત કરવા આવવુ પડે છે તેમ કહીને બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતા માચ્છીમાર પ્રશ્નો ઉકેલાયા નથી.

રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરતા ભાજપના ચૂસ્ત કાર્યકર ભરતભાઈ મોદીએ જણાવ્યુ કે, હું ભાજપનો કાર્યકર છું તેમ છતા તમારી પાસે રજૂઆત કરવા આવવુ પડે છે. માચ્છીમારોના અણઉકેલ પ્રશ્નો કોઈ ઉકેલતુ નથી.

અગાઉ યુપીએ સરકાર વખતે અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાની હેઠળ મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરતા યુપીએ સરકારે માચ્છીમારો માટે ૨૦ લાખનું પેકેજ જાહેર કર્યુ હતુ ત્યાર બાદ ભાજપ સરકારે કોઈ પેકેજ જાહેર કર્યુ નથી કે માચ્છીમારોના અણઉકેલ પ્રશ્નો ઉકેલ્યા નથી.

(4:42 pm IST)