Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

મોરબી જિલ્લામાં ચુંટણી કામગીરીમાં ૫૫૦૦ અધિકારી - કર્મચારીઓ તૈનાત

મોરબી તા. ૨૪ : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે નિયુકત થયેલ ઓબ્ઝર્વરઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલની ઉપસ્થિતીમાં સાંજે કલેકટર કચેરી સભાખંડમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ નોડલ ઓફીસરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં મોરબી, ટંકારાના જનરલ ઓબ્ઝર્વર ડો. એમ.ટી.રેજુ (આઇ.એ.એસ.), વાંકાનેરના જનરલ ઓબ્ઝર્વર કુ. કવિથા રામુ (આઇ.એ.એસ.) તથા ત્રણેય બેઠકના પોલીસ ઓબ્ઝર્વર અભયકુમારસિંધ (આઇ.પી.એસ.) એ ઉપસ્થિત રહી ઉચ્ચ અધિકારીઓ અને જુદી જુદી કમીટીના નોડલ ઓફીસરો પાસેથી ચૂંટણી વ્યવસ્થાની થયેલ કામગીરીની વિગતોની જાણકારી મેળવી હતી.

ઓબ્ઝર્વરઓએ બેઠકમાં રજુ કરેલ પ્રશ્નોના જવાબમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતુ કે મોરબી જિલ્લામાં ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય અને નિર્ભયપણે લોકો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણી કામગીરીમાં અંદાજે ૫૫૦૦ ઉપરાંતનો સ્ટાફ કામગીરીમાં રોકવામાં આવ્યો છે. આ સ્ટાફને જરૂરી તાલીમ પણ આપી દેવાઇ છે.મતદાન મથકોમાં લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તેવી સુદઢ વ્યવસ્થા કરાઇ છે. મતદાન મથકમાં મતદારોની સુવિધા માટે પીવાના પાણી સુવિધા, પ્રાથમિક સારવાર સુવિધા માટે એઇડ બોકસ તથા સ્વચ્છતાની જાળવણી અંગે વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. તેમ તેમણે જણાવ્યુ હતું. તેમણે મતદાન જાગૃતિ માટે તથા મતદાનની ટકાવારી ઉંચી લઇ જવા સ્વીપના જિલ્લામાં રહેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચ નોડલ ઓફીસર એસ.એમ. ખટાણાએ ચૂંટણી પ્રચાર સંદર્ભે થનાર ખર્ચની વિગતોની જાણકારી આપી હતી.

કાયદો વ્યવસ્થા તેમજ સવેદનશીલ વિસ્તારો અંગે જાણકારી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દરેક મતદાન બુથ વાઇઝ પુરતો પોલીસ બંદોબસ્ત અને અર્ધ લશ્કરી દળના જવાનો નો પુરતો બંદોબસ્ત સાથે લોકો નિર્ભયપણે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.કોઇ ગામમાં ચૂંટણી મતદાનમાં અડચણો ન ઉભી થાય તેની જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સંકલનમાં રહી વ્યવસ્થા કરાઇ છે.ઓબ્ઝર્વરઓએ દરેક નોડલ ઓફીસરો પાસેથી તેની કમિટી દવારા થયેલ કામગીરીની પણ પૃચ્છા કરી જાણકારી મેળવી હતી.

વાઘડીયા પરિવારનો સન્માન

શાપર ગામે આગામી તા. ૧-૧-૨૦૧૭ ના રોજ વાઘડીયા પરિવારના સ્નેહમિલન સમારોહ સાથે પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ પણ યોજવામાં આવશે. જેમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાનીં માર્કશીટની નકલ તા. ૧૦-૧૨ સુધીમાં એવન પીપળીયા ચાર રસ્તા, ગુરુકૃપા સત્યમ પાનવાળી શેરી, સેવન હિલ્સ, સામાકાંઠે તેમજ રાજલ મંડળ સર્વિસ ટંકારાનો સંપર્ક કરવા રાજલ ગ્રુપ વાઘડીયા પરિવારની યાદીમાં જણાવ્યું છે.

 

(12:45 pm IST)