Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

મોરબીમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કાર્યક્રમ મોકૂફ

મોરબી તા. ૨૪ : પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરત બાદ વધુ પ્રભાવિત એવા મોરબીમાં હાર્દિક પટેલના પુતળા દહનનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. ભાજપ દ્વારા આજે હાર્દિક પટેલના પુતળા દહન કરવામાં આવે તે પૂર્વે પાસના આગેવાનો મેદાને ઉતરી ગયા હોવાથી પુતળા દહન કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાની ચર્ચા જામી છે.

કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલાનો સ્વીકાર કરી હાર્દિક પટેલે સીધી કે આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન આપતા ભાજપ દ્વારા આંદોલનને તોડી પાડવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે. અગાઉ ભાવનગર અને રાજકોટમાં હાર્દિક પટેલના પુતળા દહન કાર્યક્રમ બાદ આજે મોરબી ભાજપના વિવિધ ગ્રુપમાં હાર્દિક પટેલના પુતળા દહનના મેસેજ વહેતા થયા બાદ પાસની ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં મોરબીના સુપર માર્કેટ નજીક ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવી સકે તેવી સંભાવના વચ્ચે પાસ કન્વીનર મનોજ પનારા સહિતના કાર્યકરો ધોકા લઈને સુપર માર્કેટ નજીક એકત્ર થયા હતા અને પાસના વિરોધને પગલે ભાજપે હાર્દિક પટેલના પુતળા દહનનો કાર્યક્રમ મોફૂક કર્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

આ મામલે પાસના કાર્યકરોએ એમ પણ જણાવ્યું હતું કે પાટીદાર વિસ્તારોમાં ભાજપ દ્વારા હાર્દિકના પુતળા દહન કરાવીને આંદોલન તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ભાજપ હાઈ કમાંડ તરફથી આદેશો આપવામાં આવતા હોવાની વાત પણ પાસ દ્વારા કરવામાં આવી રહી છે.

(12:44 pm IST)