Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

હવે નરેન્દ્રભાઇ ધારીને બદલે ચલાલામાં સભા ગજવશે

સોમવારથી કચ્છથી પ્રચારનું બ્યુગલ ફુંકશેઃ સૌરાષ્ટ્ર-કચ્છ ઘુમી વળશે

રાજકોટ તા.ર૪ : આગામી ૯મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આગામી સપ્તાહે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કચ્છથી પ્રચારનું બ્યુગલ ફુંકીને વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલ મુજબ તા.ર૭મીને સોમવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનુ બપોરે ૧૧ વાગ્યા કચ્છમાં એરપોર્ટ ખાતે આગમન થશે. એરપોર્ટથી લાલન કોલેજ સુધી ૩ કિ.મી.નો રોડ-શો યોજાશે ત્યારબાદ નરેન્દ્રભાઇ મોદી જાહેરસભા સંબોધશે.

ભુજથી શ્રી નરેન્દ્રભાઇ જસદણ આવશે અને જસદણ જાહેરસભા સંબોધ્યા બાદ ધારી ખાતે જાહેરસભા સંબોધનાર હતા પરંતુ હવે આ કાર્યક્રમ ફેરફાર થયો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ ધારીના બદલે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે તેમ ધારી બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપભાઇ સંઘાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

દિલીપભાઇ સંઘાણીએ વધુમાં જણાવ્યુ કે અમરેલી જિલ્લાની પાંચેય બેઠકોના લોકોને શ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભાનો લાભ મળે તે માટે ચલાલા ખાતે જાહેરસભા યોજાનાર છે.

અમરેલીના પ્રતિનિધિ અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવાયુ છે કે સોમવારે બપોરે ૩ વાગ્યે નરેન્દ્રભાઇનુ ચલાલા ખાતે આગમન થશે જયાં મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ તકે ધારીના ઉમેદવાર દિલીપભાઇ સંઘાણી, અમરેલીના બાવકુભાઇ ઉંધાડ, લાઠીના ગોપાલભાઇ વસ્તાપરા, સાવરકુંડલાના કમલેશભાઇ કાનાણી, રાજુલાના હીરાભાઇ સોલંકી, સાંસદ નારણભાઇ કાછડીયા, કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, ભાજપના હોદેદારો હિરેન હીરપરા, રવુભાઇ ખુમાણ, કૌશિક વેકરીયા, ભરતભાઇ ગાજીપરા, બાલુભાઇ તંત્રી, મનસુખભાઇ ભુવા, કાળુભાઇ વિરાણી, વાલજીભાઇ ખોખરીયા, ડો.ભરતભાઇ કાનાબાર, પ્રાગજીભાઇ હીરપરા, મનસુખભાઇ સુખડીયા, દિનેશભાઇ પોપટ, શરદભાઇ લાખાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

નરેન્દ્રભાઇ તા.ર૯ના મોરબી, પ્રાંચી (સોમનાથ) અને પાલીતાણા ખાતે જાહેરસભા સંબોધનાર છે. નરેન્દ્રભાઇના આગમનના સમાચારથી ભાજપમાં ઉત્સાહ છવાયો છે.

 

(11:44 am IST)