Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ભાનુમતીબેન પટેલ...પરિશ્રમ, મકકમતા, સ્ફૂર્તીનો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ૭૭ વર્ષના વૃધ્ધા હાથ જોડી બેસી રહેવાને 'આંતરિક કૌશલ્ય'દર્શાવી યુવા વર્ગ માટે બન્યા પ્રેરણારૂપઃ ચીનની એશીયા માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધામાં પ કિ.મી. ઝડપી ચાલ, ૫૦૦૦ મીટરની દોડમાં ભારત માટે બે સિલ્વર મેડલ મેળવી રચ્યો ઇતિહાસઃ જૂનાગઢમાં જાન્યુઆરીમાં માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ સ્પર્ધાઃ દેશભરમાંથી ૬૦૦ સ્પર્ધકો ભાગ લઈ કૌશલ્ય ઝળકાવશેઃ ચાલુ વરસાદમાં થંભવાને બદલે રેઈનકોટ પહ

'અકિલા ફેસબુક લાઈવ' દરમિયાન જૂનાગઢ ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ દોડવીર ભાનુમતીબેન પટેલ સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. તે પ્રસંગની તસ્વીરોમાં ઉપસ્થિત જૂનાગઢના મહિલા અગ્રણી-મહિલા ક્રાંતિ સાપ્તાહિકના તંત્રી શ્રીમતિ મીનાબેન હરિશભાઈ ચગ, ચિ. શ્રેય દેવાણી (ભાણેજ), સિનીયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષભાઈ માંકડ, ઉપપ્રમુખ આઈ.યુ. સિડ્ડા તથા ભાનુમતિબેને જિલ્લા કક્ષાથી માંડીને છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ આંતરીક કૌશલ્ય દર્શાવવા બદલ પ્રાપ્ત કરેલ વિવિધ મેડલો દર્શાય છે... આ તકે અકિલાના પ્રતિનિધિ વિનુ જોશી, તસ્વીરકાર મુકેશ વાઘેલા અને અકિલા પરિવારના વિજય કામાણી  ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, તા. ૨૪ :. સામાન્ય માણસ જીવનમાં કોઇ મોટી પરેશાની આવી ચડે તો તુરંત મુંઝાવા લાગે છે, પરંતુ મકકમ મનના માનવી તો ગમે તેવી સમસ્યા સામે માથુ ઝુકાવવાને બદલે હિંમતભેર મુકાબલો કરી યોગ્ય ઉકેલ શોધી જ લેતા હોય છે...એવી જ રીતે જૂનાગઢના વૃધ્ધાએ પણ બે હાથ જોડી બેસી રહેવાને બદલે વિદેશની ધરતી ઉપર આંતરિક કોૈશલ્ય ઝળકાવી સોૈને ચોંકાવી દીધા હતા.

ચીનના રૂગાઓ ખાતે સપ્ટેમ્બરમાં યોજાયેલ એશિયા માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધામાં ગુજરાતમાંથી ૯ પૈકી પસંદગી પામેલા જૂનાગઢના ૭૭ વર્ષના ભાનુમતીબેન કાનજીભાઇ પટેલે પ કિલોમીટરની ઝડપી ચાલ તથા ૫૦૦૦ મીટરની દોડ માત્ર ૨૫ થી ૨૬ મીનીટમાં જ પૂર્ણ કરી દ્વિતિય સ્થાન સાથે ભારત માટે  બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શહેર સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતુ...નવાઇની વાત એ છે કે, સ્પર્ધામાં વરસાદ ચાલુ હોવા  છતા પણ  ભાનુમતીબેને હિંમત હારવાને બદલે રેઇનકોટ પહેરી બન્ને સ્પર્ધામાં મેદાન મારી સૌની વાહ...વાહી...મેળવી હતી.

મૂળ માંગરોળના અને હાલ જૂનાગઢમાં ૧-શિવધારા એપાર્ટમેન્ટ, બેલદાર શેરી, કડિયાવાડ ખાતે એકલા રહેતા ભાનુમતીબેન (મો. ૯૯૨૫૫ ૩૧૫૪૪) સ્વમાનથી જીવન જીવવા માટે લગ્ન પણ કર્યા નથી.જીવન નિર્વાહ માટે ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. વૃધ્ધાવસ્થામાં પણ યુવા વર્ગને શરમાવે તેવી સ્ફૂર્તીના માલિક અને  ઘરનું કામ જાતે જ કરવામાં માનતા ભાનુમતીબેન દરરોજ પાંચેક કિલોમીટર વોર્કિંગ પણ કરે છે...તેઓને દોડતા જોઇ યુવાનો પણ મનોમન વખાણ કરવા લાગે છે.

અત્રે નોંધનીય છે કે, સિનીયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષભાઈ માંકડ જે તે સમયે કાર ચલાવી આવી રહ્યા હતા ત્યારે ઝડપી ચાલે જતા ભાનુમતીબેનને જોયા બાદ તુરંત જ પારખી લીધા હતા.

જો કે ભાનુમતીબેનને પણ આંતરિક કૌશલ્ય દુનિયા સમક્ષ મુકવાની ખેવના હતી પણ કોઈ મદદ કરવાવાળુ ન હોવાથી આગળ વધી શકતા નહોતા, પરંતુ કુદરતને કરવું'ને સિનીયર સીટીઝન મંડળનો સહયોગ સાંપડતાની સાથે જ ભાનુમતીબેનનો ઉત્સાહ જેમ જેમ વધતો ગયો તેમ તેમ જીલ્લા સ્તરેથી વિજેતા બન્યા બાદ જેમ જેમ જીત મળી તેમ તેમ ઉત્સાહ-ઉમંગમાં વધારો થવાથી જિલ્લા રાજ્ય, રાષ્ટ્રીય અને છેક આંતરરાષ્ટ્રીય સ્તરે દોડ સ્પર્ધામાં ચમકી અસંખ્ય વડિલો સાથે જ યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

તેવી જ રીતે સ્વ. પ્રભુદાસભાઈ મોરડીયાનો પણ સહયોગ સાંપડયો હતો.

નવાઈની વાત એ પણ છે કે, બે દિવસ પહેલા જૂનાગઢ ખાતે યોજાયેલ જિલ્લાની ત્રણ સ્પર્ધામાં પણ ભાનુમતીબેન પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.

ખુશીની વાત એ છે કે, ચીન ખાતે યોજાયેલ એશિયા માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધામાં જૂનાગઢના ભાનુમતીબેન પટેલ સાથે જ ભાવનગરના ૮૫ વર્ષના મોહનભાઈ ચૌહાણે બે ગોલ્ડ, એક સિલ્વર અને દાહોદના ૪૫ વર્ષના પોલીસ કર્મચારીને પણ બે બ્રોન્ઝ મેડલ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ હતું.

જૂનાગઢના મહિલા અગ્રણી, સામાજીક ક્ષેત્રે નામના ધરાવતા શ્રીમતિ મીનાબેન ચગ (મો. ૯૪૨૬૯ ૯૮૮૦૯)ના સહકારથી અને પ્રેરણાથી અમે ભાનુમતિબેન પટેલનો લાઈવ ઈન્ટરવ્યુ અકિલાના ફેસબુક પેઈજ facebook/akilanews.com ઉપર પ્રસારિત કરી શકયા હતા.

વૃદ્ધાવસ્થામાં 'યુવાવસ્થા' જેવો જોમ-જુસ્સોઃ વોકિંગ નિત્યક્રમઃ ભાનુમતીબેનનો જીવન મંત્ર... શરીરને 'થાક' લાગે તો પણ 'મન'ને થાકવા દેવાનું નહિ

રાજકોટ :. જૂનાગઢ ખાતે રહેતા અને ચીન ખાતે યોજાયેલ એશિયા માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધામાં ૫ કિલોમીટર ઝડપી ચાલ અને ૫૦૦૦ મીટરની દોડમાં બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર ૭૭ વર્ષના ભાનુમતીબેન પટેલનો જોમ-જુસ્સો યુવા વર્ગના લોકોને પણ શરમાવે તેવો છે... તેઓ નિત્યક્રમ પ્રમાણે સવારે ૪ વાગ્યે ઉઠીને તૈયાર થઈ સાડા પાંચ થી છ વાગ્યા સુધીમાં તો ઘરની બહાર નિકળી જાય છે. સૌ પ્રથમ મંદિરે જઈ ભગવાનને શિશ ઝુકાવ્યા બાદ ચાલવા નિકળે છે... તેમની સ્ફૂર્તિ જોઈ સૌ કોઈ લોકો મનોમન જરૂર વખાણ કરવા લાગે છે. જમવામાં પણ માપ રાખે છે. ઘણી વખત તો એક જ ટાઈમ ભોજન લીધા બાદ આખો દિવસ કંઈ પણ ખાતા નથી, છતાંયે ઉત્સાહ ઓછો થતો નથી... ભાનુમતીબેનનો જીવનમંત્ર છે કે, જે માણસમાં હિંમત હોય તેને તેના લક્ષ્ય સુધી પહોંચાડતુ કોઈ અટકાવી શકતુ નથી. પગ ન હોય તો પણ હિંમતના સહારે શિખર ચડી જવાશે.

અત્રે નોંધનીય છે કે, 'અકિલા' ફેસબુક લાઈવ' દરમિયાન અસંખ્ય દર્શકોએ ભાનુમતીબેનને શુભેચ્છા પાઠવી ખુશીઓ પ્રસરાવી હતી.

હોંસલા બુલંદ હૈ... સિનિયર સિટીઝન મંડળની વડિલોની 'આંતરિક શકિત' ખિલવવાની નેમ

સરકાર દ્વારા સ્પોર્ટસ કિટ, આવન-જાવનનો ખર્ચ, પેન્શન સહિતની સુવિધા આપવા ઉચ્ચારાઈ માંગણી

રાજકોટ :. જૂનાગઢ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડિલોના પ્રોત્સાહન કાજે અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે... જે લોકોમાં કાંઈક કરી છૂટવાની ભાવના હોય તેમનો ઉત્સાહ વધારી આંતરિક શકિતઓ ખિલવવા પ્રયાસો થતા હોય છે, ત્યારે સંસ્થાના પ્રમુખ જ્યોતિષભાઈ માંકડ અને ઉપપ્રમુખ આઈ.યુ. સિડ્ડા સહિતના હોદેદારોએ વૃદ્ધોનો જોમ-જુસ્સો, ઉત્સાહ વધારવા માટે સરકારે પણ મદદ માટે આગળ આવવા અનુરોધ કર્યો છે.

આ અંગે તેમનું માનવુ છે કે, શહેરમાં ઘણા વૃદ્ધો એવા છે, જેમનામા કોઈને કોઈ પ્રકારે કૌશલ્ય છૂપાયેલુ છે, પરંતુ આર્થિક સગવડતાના અભાવે લક્ષ્ય સુધી પહોંચવામાં પાછા પડી રહ્યા છે.

સિનિયર સિટીઝન મંડળ વિવિધ સ્થળોએથી વૃદ્ધોને શોધીને તેઓનો ઉત્સાહ વધારવા માટે ઉત્સાહિત છે પણ સરકાર દ્વારા જો સ્પોર્ટસ કિટ, ટ્રેન-બસમાં આવન-જાવનનો ખર્ચ, જ્યાં સ્પર્ધા હોય ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા સહિત આર્થિક મદદ કરવામાં આવે તો જરૂર ઘણા વડિલો વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવવા વિનાસંકોચે આગળ આવવા લાગશે.

વળી સંસ્થાનું એમ પણ કહેવુ છે કે, ઘણા વૃદ્ધોને જીવન નિર્વાહ ચલાવવા માટે પણ પરેશાની ભોગવવી પડતી હોય છે, તેવામાં સ્પર્ધામાં જાય તો કેવી રીતે ?... ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્તરે ઝળકેલા મોટી ઉંમરના રમતવીરોને પેન્શન ચૂકવવાની વ્યવસ્થા કરાય તો સૌને આંતરિક કૌશલ્ય દુનિયા   સમક્ષ દેખાડવાનો  મોકો  મળે.

સરકારને સાદ...જીવન જીવવામાં વાંધો ન આવે એટલી રકમની વ્યવસ્થા તો કરી આપો

નરેન્દ્રભાઈ, વિજયભાઈ સહિત સુખી મહાનુભાવોને  અનુરોધઃ રમતવીરોને પ્રોત્સાહન આપતી યોજના બનાવો

રાજકોટઃ જૂવાનીયાઓને પણ શરમાવે તેવી સ્ફૂર્તી ધરાવતા અને રાજય, રાષ્ટ્રીય કક્ષાએ ૩૦ જેટલા મેડલ મેળવી ચૂકેલા જૂનાગઢના ૭૭ વર્ષીય ભાનુમતીબેન પટેલની સરકાર પાસે એક જ માંગણી છે કે,હાલ આવક કોઇ સાધન નથી કે નથી હવે વધારે વર્ષો કામ કરી શકાય તેટલી ઉંમર તો જયાં સુધી જીવુ ત્યાં સુધી વ્યવસ્થિત રીતે જીવન જીવવામાં કોઇ વાંધો ન આવે તેટલી રકમ ચુકવે તો સારૂ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ગુજરાતમાં ગૌરવ અપાવે એવા અનેક મોટી ઉંમરના રમતવિરો પણ છે પરંતુ કેટલાક પરિવારોની આર્થિક રીતે પરિસ્થિતિ સામે ઝુકીને પોતાના અંદર છૂપાયેલી આંતરીક શકિતઓ દુનિયા સમક્ષ લાવવામાં અચકાતા હોય છે... તો વિવિધ શહેરોના કૌશલ્ય ઝળકાવનારા વડીલો ખુશી ખુશી આગળ આવવા લાગે તેવા ઉમદા આશય સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિજયભાઈ રૂપાણી સહિત સરકારના તમામ મોવડીઓએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રમતવીરો માટે જરૂરી તમામ વ્યવસ્થા નિઃશુલ્કપણે થઈ શકે તેવી યોજના બનાવવી જોઈએ તેવી જાગૃત નાગરીકોની લાગણી અને માગણી છે.

તો વળી, મોટા મોટા ઉદ્યોગપતિઓ, સામાજિક-મહિલા સંસ્થાઓ અને સુખી સંપન્ન લોકોએ પણ ખાસ કરીને મોટી ઉંમરના રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આગળ આવવુ જરૂરી છે.

 

શ્રેય દેવાણી... હુબહુ નરેન્દ્રભાઈના અવાજમાં જ ભાષણ કરવાની ખૂબીઃ પડદા પાછળ હોય તો જાણે મોદીજી જ લાગે...

રાજકોટ :. અકિલા પરિવારના ભાણેજ ચિ. શ્રેય દેવાણીની ભાષણ કરવાની ખૂબી નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત બની જાય છે. તે પડદા પાછળ બોલે ત્યારે ગમે તેવી વ્યકિતને પણ અવાજ ઓળખવામાં બે વાર વિચારવુ પડે છે... હુબહુ નરેન્દ્રભાઈ મોદી જેવો જ અવાજ સંભળાવી સૌને મંત્રમુગ્ધ કરી દેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. ચિ. શ્રેય જૂનાગઢના જાણીતા મહિલા અગ્રણી શ્રીમતિ મિનાબેન હરિશભાઈ ચગનો દોહિત્ર અને ડો. નિશા દેવાણી તથા જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટ શ્રી ભાવેશ દેવાણીનો પુત્ર થાય છે. જૂનાગઢની સુપ્રસિદ્ધ બ્લીસ એકેડેમીમાં ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરે છે.

શ્રેય દેવાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હુબહુ અવાજમાં જ હિન્દીમાં ભાષણ આપ્યું હતું... જેમાં અંશો જોઈએ...

મેરે સવાસો કરોડ દેશવાસીઓ, અબ જો ભારત કા નામ બઢ રહા હૈ... અબ જો ભારત પ્રગતિ કર રહા હૈ, ઐસા શાયદ હી કભી હુઆ હોગા. ભારત અભી દુનિયા કે સભી દેશોમેં આગે બઢ રહા હૈ...

મેરે દેશવાસીઓ ભારતને જો પ્રગતિ કી હૈ, વો મેં હી નહીં વર્લ્ડ બેન્ક ભી કહ રહા હૈ... યે કિસી ભી દેશ સે સબસે બડી જમ્પ હૈ...

(11:40 am IST)