Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

સૌરાષ્ટ્રમાં ૭૦૦ જીનર્સો દ્વારા કપાસની ખરીદી બંધઃ ખેડૂતોને હાલાકી

GSTમાં રિવર્સ મિકેનીઝમ ચાર્જના વિરોધમાં તમામ જીનીંગ ફેકટરીઓ બંધઃ કરોડોનું ટર્નઓવર ઠપ્પઃ મધ્ય - ઉત્તર ગુજરાતમાં પણ ૩૪૦થી વધુ જીનીંગ ફેકટરી બંધઃ સોમવારથી દેશવ્યાપી હડતાળની ચીમકી

રાજકોટ : જી.એસ.ટી.માં રિવર્સ મિકેનીઝમ ચાર્જના વિરોધમાં જીનીંગ ઉદ્યોગ એસો. દ્વારા કપાસ ખરીદી બંધના એલાન અંતર્ગત આજથી સૌરાષ્ટ્રના ૭૦૦ સહિત ગુજરાતના ૧૦૦૦ જીનર્સો દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું હતું. જીનર્સોની હડતાલના પગલે ખેડૂતોની હાલાકી પણ વધી ગઇ છે.

જી.એસ.ટી.માં રિવર્સ મિકેનીઝમ ચાર્જના વિરોધમાં આજથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જીનર્સો દ્વારા કપાસની ખરીદી બંધ કરાઇ છે. જીનર્સો દ્વારા મોટેભાગે માર્કેટ યાર્ડો અને ગામડાઓમાંથી કપાસની મોટાપાયે ખરીદી થાય છે. જે આજથી સજ્જડ બંધ થઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

આ અંગે સૌરાષ્ટ્ર જીનીંગ એસો.ના પ્રમુખ ભરતભાઇ વાળાએ જણાવ્યું હતું કે, જીનીંગ ઉદ્યોગ પર જીએસટી અંતર્ગત રીવર્સ મિકેનીઝમ ચાર્જના વિરોધમાં સૌરાષ્ટ્રની ૭૦૦ સહિત ગુજરાતની ૧૦૦૦ જીનીંગ મીલો જોડાઇ છે. આજથી તમામ જીનીંગ મીલોમાં પ્રોસેસ બંધ થઇ ગયું છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતની જીનીંગ મીલોમાં દૈનિક ૫૦,૦૦૦ હજાર ગાંસડીનું પ્રોસેસીંગ થાય છે જે આજથી ઠપ્પ થઇ ગયું છે. જીનર્સોને કપાસ એકસપોર્ટ કરવામાં એક ગાંસડીએ ૪.૯૦ રૂ. અને ૧૦૦ ગાંસડીએ રૂ. એક લાખ ભરવાના હોય છે જે રીફંડ મેળવવામાં બેથી અઢી  મહિનાનો સમય લાગતો હોય જીનર્સોના રૂપિયા બ્લોક થઇ જાય છે. હાલમાં જીનીંગ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે જીએસટીમાં રિવર્સ મિકેનીઝમ ચાર્જ નાબુદ કરવો જોઇએ તેવી જીનર્સોની માંગણી છે.

જીનીંગ ઉદ્યોગ એસો.ના પ્રમુખ ભરતભાઇ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તથા જીએસટી કમિશ્નર દ્વારા તાકિદે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી સોમવારથી જીનીર્સો દેશવ્યાપી હડતાળ પાળશે.

આ પહેલા જીએસટી કાયદા અંતર્ગત સરકારે કપાસની ખરીદી અને જીનર્સો પર લાદેલ રીર્વ મિકેનિમમના કાયદાને લઇ સૌરાષ્ટ્રના જીનીંગ ઉદ્યોગપતીઓમાં વિરોધ ઉઠ્યો હતો અને સરકાર સાથે મંત્રણા ચાલી હતી. જેમાં સરકાર સ્પષ્ટ જવાબ આપતી ન હોય રાજકોટના પડધરી ખાતે મળેલ બેઠકમાં એસો.એ ગુરૂવાર સુધી સ્પષ્ટ જવાબ માગ્યો છે. માંગ  સ્વીકારવામાં નહી આવે તો શુક્રવારથી જીનીંગ ફેકટરીઓ અને કપાસ ખરીદી બંધ કરી દેવામાં આવશે.તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જીએસટીના કાયદાનો અનેક બાબતોને લઇ વિરોધ નોંધાવવામાં આવતા સરકારએ ફેર વિચારણા કરી નવા નિર્ણયો જાહેર કર્યો પરંતુ કપાસ ખરીદીને લઇ રીવર્સ મિકેનિઝમ (યુ.આર.ડી.) ખરીદી પર જીએસટી રદ કરવા માટે જીનર્સો માંગ કરી રહ્યા તે કાયદો બીલકુલ પોસાય તેમ નથી.તેવું જીનર્સો જણાવી રહ્યાં છે આથી સરકાર સાથે છેલ્લા પખવાડીયાથી મંત્રણા ચાલી રહી હતી પરંતુ  સરકાર દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો.

જીનર્સોનું માનવું છે કે સરકારે જીનર્સોની મુશ્કેલી સમજવી જોઈએ હાલના જીએસટીના દર નિયમ મુજબ રિફંડ મેળવવા નાણાં રોકાય છે જે યોગ્ય નથી.

ગત સપ્તાહે રાજકોટના પડધરી ખાતે સૌરાષ્ટ્રના જિનર્સોની કોટેજ ખાતે મળી હતી. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુરૂવાર સુધીમાં સરકાર કાયદો પરત ખેંચવાની માગને લઇ સ્પષ્ટ ના થાય. હા અથવા ના મા જવાબ ન આવે તો શુક્રવાર સવારથી તમામ જીનીંગ ફેકટરીઓ અને માર્કેટીંગ યાર્ડમાં થતી કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવશે તેવુ નક્કી કરાયું હતું.

તળાજા

તળાજા - ભાવનગર પંથકમાં તમામ જીનર્સોએ કપાસની ખરીદી ઠપ્પ કરી દીધી હતી અને જીનર્સો સામૂહિક રીતે ડે.કલેકટર ડો. રાજેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. જેમાં એગ્રી કોમોડીટીમાં ફકત કપાસ ઉપર આર.સી.એમ.નો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જીનર્સ, ઓઇલ મિલર્સ, એક્ષપોટરો અને ખેડૂતોને નુકસાન થશે જેથી સરકાર નિરાકરણ લાવે તેવી માગ કરી છે. સાથે ખેડૂતોને મુશ્કેલી પડશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.

 

(11:35 am IST)