Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ચાંપરાજપુરની દયાને અગનજ્વાળા ભરખી ગઇઃ હત્યા કરવામાં આવ્યાનો પિતાનો આક્ષેપ

રિસામણે આવેલી દિકરી સવારે સાસરે પરત ગઇ ને બપોરે તેના મોતના વાવડ આવ્યાઃ કોળી નવોઢાની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૪: જેતપુરના ચાંપરાજપુર ગામે રહેતી કોળી નવોઢા દયા જીતેન્દ્ર વાઘેલા (ઉ.૨૧)નું દાઝી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ માસ પહેલા જ પરણેલી આ યુવતિને દહેજ માટે પતિ-સાસરિયાએ સળગાવી દીધાનો આરોપ તેણીના પિતાએ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

દયા વાઘેલા ગઇકાલે બપોર બાદ દાજી જતાં તેણીને જેતપુર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. દયાના પિતા ભાનુભાઇ દેવજીભાઇ બાવળીયા (રહે. મોટા માસીયાળા, અમરેલી)એ એવો આક્ષેપ કર્યો હતો કે મારી દિકરી જાતે સળગી નથી, પણ તેને સળગાવીને મારી નાંખવામાં આવી છે.

ભાનુભાઇએ કહ્યું હતું કે દિકરીના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા. તેનો પતિ જીતેન્દ્ર સાડીના કારખાનામાં કામ કરે છે. દિકરીને લગ્ન થયા ત્યારથી જ વધુ દહેજ અને પૈસા લાવવા માટે ત્રાસ અપાતો હોઇ તે વાંરવાર રિસામણે આવી હતી. હજુ ગઇકાલે સવારે જ તેને સમાધાન કરીને પરત સાસરે તેડી જવાઇ હતી અને બપોર બાદ તેણીએ અગ્નિસ્નાન કરી લીધાના વાવડ અમને અપાયા હતાં. તેની હત્યા થયાની અમને શંકા છે.

મૃત્યુ પામનાર દયા બે ભાઇ અને ચાર બહેનમાં ત્રીજી હતી. જેતપુર તાલુકા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી કરશે.

(11:57 am IST)