Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગીર સોમનાથ જીલ્લામાં બોરના માલીકોને શારકામ પહેલા મંજુરી લેવી જરૂરી

ગીર સોમનાથ તા.૨૪ : રાજયમાં ભુગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો, વિગેરે દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીકો દ્વારા નિષ્કાળજી સેવવામાં આવે છે અને બોર ખુલ્લા મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના કે ગંભીર પ્રકારની ઇજાઓ થવાના બનાવો અવાર-નવાર રાજયમાં બની રહેલ છે. આવા ગંભીર પ્રકારના બનાવો નિવારવા તેમજ તકેદારીના પગલા લઇ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીએ આવા ગંભીર અને માનવ જીંદગી જોખમમાં મુકતી ઘટનાઓ બનતી અટકાવવા એક હુકમ પ્રસિધ્ધ કરી બોરના માલીકોને જરૂરી તકેદારી રાખવા જણાવ્યું છે.

જે મુજબ જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવવી અને તે અંગેની ખાતરી જમીન માલીક,બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીને કરાવવાની રહેશે. બોરવેલ બનાવ્યા બાદ કોઇ જાન હાનિ થાય નહિં અથવા બોરવેલમાં કોઇ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડી ન જાય તેમજ કોઇપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના તમામ તકેદારીના પગલા જેવા કે, બોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડ/દિવાલ કરવાની/કરાવવાની રહેશે. આમ છતાં અનઅધિકૃત રીતે કે ચોકકસ સુચનાઓનું પાલન કરવામાં ન આવે તો બોર બનાવનાર, બોર માલીક, જમીન માલીક સામે સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય પાલન ન કરવા તેમજ બેદરકારી દાખવવા બાબતે કાયદાકીય સબંધીત જોગવાઇઓ મુજબ કાયદેસરના પગલા સબંધીત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેવાના રહેશે. જુના તથા બંધ પડેલ અથવા અવાવરી પરિસ્થતિમાં હોય તેવા બોરવેલના માલીકો/જમીન માલીકોએ પણ ઉપરોકત બાબતે કાળજી રાખવાની રહેશે.

આ આદેશ બહાર પડયાની તાત્કાલીક અસર થી દિન-૬૦ માટે અમલમાં રહેશે.

(11:32 am IST)