Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ભાવનગર શિશુ વિહારના ઉપક્રમે બુધસભા સ્મૃતિ વિમોચન - મુળશંકરભાઇ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન સંપન્ન

ભાવનગર, તા. ર૪ : શિશુ વિહાર બુધસભાનું ર૩મું વાર્ષિક સંમેલન જ્ઞાનપીઠ પુરસ્કૃત પ્રાધ્યાપક ડો. રઘુવીરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું. પદ્મશ્રી ડો. એમ.એચ. મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારંભના શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો. નાનકભાઇ ભટ્ટે જણાવ્યું કે ૧૯૮૦માં તખ્તસિંહજીભાઇ પરમાર દ્વારા પ્રારંભાએલ બુધસભા સાતત્ય પૂર્ણરીતે ૧૯૪૦ બુધવારે બેઠકથી મળી છે. આ ૩૭ વર્ષની શબ્દ સાધના દરમિયાન અનેક કવિશ્રીઓના પુસ્તકોનું વિમોચન થયું છે. કવિ મુશાયરા થયા છે, પરિસંવાદો થયા છે.

આ ઉપક્રમે બુધસભાના પ્રારંભથી વર્ષ ર૦૧૬ સુધીની બેઠકમાં યોજાયેલ વિશિષ્ટ સન્માન, કાવ્ય સર્જન શિબિર, નાટય પરિસંવાદ, પુસ્તક આસ્વાદ પ્રકારના કાર્યક્રમોની સંકલિત વિગતો નિરક્ષીર-જાહનવી સ્મૃતિ તરીકે આદરણીય તખ્તસિંહજીભાઇને તેઓના ૯૯માં જન્મદિવસ પ્રસંગે અર્પણ કરતા વિમોચિત કરવામાં આવી છે. ઉપરાંત કવયિત્રી ભાગરથીબહેન મહેતાની સ્મૃતિમાં વર્ષ ર૦૧૬નું જાહનવી સ્મૃતિ કવયિત્રી સન્માન ડો. ઇન્દુબહેન રામબાબુ પટેલને એનાયત કરવામાં આવ્યું. મૂળ ભાલ પંથકના પરંતુ વિશ્વના આઠેક દેશોમાં રહી ડોકટરી શિક્ષણ મેળવીને પણ ભારતમાં આવી ગુજરાતના અંતરિયાળ ગામોમાં સ્ત્રીઓ દ્વારા ગવાતા લગ્નગીતો, ફટાણા, પ્રસંગ ગીતો ઉપર અભ્યાસ કરીને ગુજરાતી કાવ્ય જગતને નવી દિશા આપનાર ઇન્દુબહેન પટેલનું મોમેન્ટો, શાલ તથા રૂ. ૧૧૦૦૦/-થી અભિવાદન કરાયું હતું.

ગુજરાત લેખક મંડળના સક્રિય સભ્ય અને બુધસભાના કવયિત્રી સ્વ. રીતાબહેન ભટ્ટની સ્મૃતિમાં, તેમના માતુશ્રી અરૂણાબહેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાધ્યાપક ડોકટર રક્ષાબહેન દવેનું અભિવાદન કરાયું હતું. સંસ્કૃત અને ગુજરાતી તેમ બંને ભાષામાં ચિંતન આપનાર રક્ષાબહેન દવેની બાળ સાહિત્ય સેવાનો વિશેષ ઉલ્લેખ કરાયો હતો.

સ્વ. મૂળશંકરભાઇ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત પ્રા. ડો. રઘુવીરભાઇ ચૌધરીએ અનુવાદક તરીકે, શિક્ષક તરીકે, ગૃહપતિ તરીકે મૂળશંકરભાઇ ભટ્ટની વિરલતા યાદ કરી હતી. તેઓએ શિશુવિહારના સ્થાપક માનભાઇને અલગારી આલમના કર્મી તરીકે સ્મરાંજલિ આપી હતી.

કવયિત્રી ડો. ઇન્દુબહેન પટેલ તથા પ્રા. ડો. રક્ષાબહેન દવેએ પોતાની કાવ્ય કેફિયતની વાતો શ્રોતાઓ સાથે માપી હતી. તખ્તસિંહજી પરમારના પુત્ર પ્રાધ્યાપક ડો. મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે બાપુજી માટે તો નિત્ય સવાર બુધવાર જ હોય છે. તેઓશ્રીએ વર્ષ ર૦૧૮માં તખ્તસિંહજીભાઇ ૧૦૦મા વર્ષમાં પ્રવેશશે ત્યારે ભાવનગરના સાહિત્ય વારસાને ઉજાગર કરાશે.

શિશુવિહાર બુધસભાના કવયિત્રી જીજ્ઞાબહેન ત્રિવેદીના સંકલન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શિશુવિહાર બુધસભાના સંચાલક કૃપાબહેન ઓઝા તથા કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

(12:05 am IST)