Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પોરબંદરમાં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત અદ્યતન એસી હોલનું ઉદ્ઘાટન

પોરબંદર, તા. ર૪ : સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ સંચાલીત નવનિર્મિત અદ્યતન એસી હોલ 'શારદા નંદલાલ હોલ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સ્વાગત પ્રવચનમાં ડો. સુરેખા શાહે જણાવ્યું કે આ નગર તરફથી મળેલા પ્રમ અને સન્માનનું ઋણ ચૂકવવાના ઇરાદાથી અને સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટીઓના સાથેના મૈત્રીસંબંધોને પરિણામે આ હોલ નગરને ઉપલબ્ધ થયો છે અને એ અમારા કુટુંબ માટે સંતોષની વાત છે કે તેમાંથી થનારી આવક સદાવ્રત, માસીક ૧૦૦૦ કુટુંબોને થતા અનાજ વિતરણ, યોગાસન, કલાસીસ વગેરે સેવા કાર્યોમાં વપરાશે.

પ.પૂ.ગો. શ્રી વસંતકુમાર મહોદયએ આશિર્વચન પાઠવ્યા અને કહ્યું કે પૈસા તો ઘણા માણસો પાસે હોય છે, પરંતુ તે સમાજ માટે વાપરવાની બુદ્ધિ અને મનોવૃત્તિ હોવી જોઇએ. સત્યનારાયણ મંદિરની પ્રવૃતિઓને ડો.સુરેખાબેનનો સહકાર મળેલ છે. શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશજી મહારાજે કહ્યું કે આજે દિકરાઓ પણ મા-બાપની સેવા નથી કરતા તેવા સંજોગોમાં એક દિકરી મા-બાપની સેવા કરે તે સરાહનીય છે.

સમારંભના અતિથિશ્રી પ્રો. નરોત્તમભાઇ પલાણે અર્ધ શતાબ્દીથી સેવાકીય પ્રવૃતિ કરતા સત્યનારાણના ટ્રસ્ટીની પ્રવૃતિઓને બીરદાવી તેમણે ડો. સુરેખાબેનના નિરાભીમાની શાંત સ્વભાવને બિરદાવતા કહ્યું કે તેમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં તેમના માતા-પિતાના સંસ્કાર દેખાઇ છે.

કસ્તુરબા મહીલા મંડળની બહેનોએ વિશિષ્ટ રીતે ડો. સુરેખાબેનનો જન્મદિવસ મનાવ્યો. અને સન્માનપત્ર આપ્યું. ડો. સુરેશભાઇ ગાંધી અને સંજયભાઇ માળી તરફથી અને સત્યનારાયણ ટ્રસ્ટ તરફથી ભરતભાઇ માખેચા અને શીલાબેન  માખેચાએ સ્મૃતિ ચિહન અર્પણ કર્યા ડો. સુરેખાબેનના મેનેજર તથા અશોકભાઇ રાડીયાએ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. મનસુખભાઇ ઠાકરે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

(11:27 am IST)