Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પોરબંદરના સાગરખેડૂઓ અડધા દિ'નો અગતો પાળીને ઉત્સાહભેર મતદાન કરશે

પોરબંદર, તા. ૨૪ :. અફાટ અરબી સમુદ્રન ખોળો ખુંદતા પોરંબદરના મત્સ્યકારો આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા ભારે ઉત્સાહી જણાય છે. માછીમારી કરવા માટે સાગરની ખારાશને સહન કરતા પોરબંદરના દરિયાખેડૂઓ ભારે મીઠડા છે અને લોકશાહી પ્રત્યે પોતાનું કર્તવ્ય શું છે ? એ સારી રીતે જાણે છે. એટલે જ, આગામી ૯ ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે અડધા દિવસનો અગતો પાળી આ માછીમારો હોંશે હોંશે મતદાન કરવાના છે અને એ બાદ જ દરિયો ખેડવાના છે. અમે કેટલાક સાગરખેડુઓ સાથે વાત કરી તો તેમણે સારી એવી વાતો કરી...

'અરે...ભાઈ આ વખતે તો અમે નક્કી કરી જ દીધુ છે કે દરિયા કામધંધા માટે અમે સવારે મતદાન કરીને જ જઈશુ અથવા તો દરિયામાંથી અમારી કામગીરી વહેલી પતાવીને મતદાન મથકે વહેલા પહોંચી જઈને અમારા મતાધિકારનો અમે અચુક ઉપયોગ કરીશું.' આ શબ્દ છે કનુભાઈ મસરાણીના કે જેઓ ૩૦ વર્ષથી દરીયો ખેડી રહ્યા છે. તેઓએ જિલ્લા માહિતી કચેરીની સમાચારની ટીમને બંદર વિસ્તારની મુલાકાતમાં ઉપરોકત વાત જણાવી હતી અને વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, દરેક ચૂંટણીમાં મે અચુક મતદાન કરીને મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અમે વ્યવસાય અન્વયે દરીયામાં હોય કે અન્ય કામગીરી સબબ બહાર ગયા હોઈએ પણ મતદાનને દિવસે બધા કામ પડતા મુકીને હું મારા મતનો ઉપયોગ કરૂ છું.

દરિયાખેડૂ તરીકે ૨૦ વર્ષથી દરિયાદેવના ખોળામાં ઉછરેલા અને વહાણવટાની કામગીરી કરતા ૩૭ વર્ષના યુવાન અનિલભાઈ કોેટીયાએ મતદાન કરવા અંગે પોતાનો વિચાર વ્યકત કરતા જણાવ્યું હતુ કે, ભવિષ્યના ભારતને વધારે સમૃદ્ધ કરવા માટે દરેક લોકોએ ચૂંટણીમાં તો મત આપવો જ જોઈએ અને જ્યારે દેશના ભવિષ્યની વાત આવે ત્યારે મત આપવામાં જરા પણ આળસ ન કરવી જોઈએ.

સિક્કાના વતની અને હાલમાં પોરબંદર ખાતે દરિયાઈ કામગીરીમાં સતત વ્યસ્ત રહેતા ૫૦ વર્ષની ઉંમરના શ્રી યુસુફ ઓસમાણે જણાવ્યુ હતુ કે, મતદાનન દિવસે પણ અમો દરીયો ખેડવા અને ખુંદવામાં અમે સતત સક્રીય હોઈએ છીએ તે વાત સાચી પણ જ્યારે આપણા લોકશાહીની વાત આવે ત્યારે અમે પણ ભારતના જાગૃત નાગરીક હોવાથી તેને વધારે મજબુત કરવા મતનો ઉપયોગ કરવા માટે અમે સદાય તૈયાર જ હોઈએ છીએ.ઙ્ગ

સલાયાના યુવાન શ્રી શબ્બીરભાઈ નદીક કારા મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલ છે તેઓએ પણ માહિતી ખાતાની ટીમને જણાવ્યુ હતુ કે, આપણને જે મતનો અધિકાર મળેલ છે ત્યારે આપણે લોકો માટે કામ કરતી સરકાર લાવવા માટે આપણે મતની કિંમત સમજીને દરેકે મતદાન તો કરવું જ જોઈએ.

આ તકે શ્રી પોરબંદર માછીમાર એસોસીએશનના પ્રમુખ શ્રી ભરતભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, વધારેમાં વધારે લોકો મતદાન કરે અને તે માટે વધુમાં વધુ જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે આપણા મહાન રાષ્ટ્રની લોકશાહીની ધરોહરને વધારે ઉજ્જવળ બનાવવાની છે.

વાત તો આ બધાની સાચી છે હો... તો આવો આપણે પણ તા. ૯-૧૨ના રોજ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરીએ.

સામાન્ય રીતે બહુધા લોકો એવું વિચારે છે કે મારા એકના મતથી શું થવાનું છે ? પણ તમારો એક મત પણ દેશ-રાજ્યના હિતમાં મહત્વપૂર્ણ બની શકે છે. મતાધિકારનો ઉપયોગ એ જ સાચો નાગરિક ધર્મ છે. આપણે હંમેશા શાસનની ટીકા કરતા હોઈએ છીએ એની ટીકાનો જવાબ આપવા માટે બંધારણે મતનો પણ અધિકાર આપ્યો છે. લોકશાહીમાં મતાધિકાર અમોધ શસ્ત્ર છે. જેનો ઉપયોગ મુકતપણે ચૂંટણી વખતે કરી શકે છે અને સરકારમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે છે, તો જ પ્રજા કલ્યાણ રાજની ભાવના સાકાર થશે.

આલેખનઃ જે.ડી. ત્રિવેદી

નોડલ ઓફિસર મીડીયા સહાયક માહિતી નિયામક - પોરબંદર

(11:26 am IST)