Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

મુકુલ વાસનીક - રાજીવ સાતવના સૌરાષ્ટ્રમાં બળવો ડામવા પ્રયાસો

રાજકોટમાં બથવાર, ગોંડલમાં વિરડીયા, કેશોદમાં રજેશ્વરીબેન અને મોરબીમાં ચીખલીયાના ફોર્મ પાછા ખેંચાવવા દોડધામઃ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર આગેવાનોને સમજાવટઃ મોરબી સિવાય પ્રયાસો સફળતા તરફ

રાજકોટ, તા. ૨૪ :. સૌરાષ્ટ્રની અર્ધો ડઝન બેઠક પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે હજુ પણ કોંગ્રેસી આગેવાનોના ઉમેદવારી પત્રકો ભરાયેલા છે. જે પાછા ખેંચાવવા માટે કેન્દ્રીય કોંગ્રેસી અગ્રણીઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. અમુક કોંગ્રેસી આગેવાનોને મનાવવામાં સફળતા મળી છે પરંતુ મોરબી સહિત બે સ્થળોએ હજુ અસંતોષની જ્વાળા મક્કમ નજરે પડે છે.

રાજકોટ-૭૧ (ગ્રામ્ય) બેઠક પર સુરેશ બથવાર, ગોંડલમાં કિશોર વિરડીયા, કેશોદમાં રજેશ્વરીબેન નંદાણીયા, મોરબીમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચિખલીયાએ કરેલી ઉમેદવારી પાછી ખેંચવા બે દિવસથી રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ૧૨ રાજ્યોના પ્રભારી મુકુલ વાસનીક અને સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી અને સાંસદ રાજીવ સાતવે પ્રયાસો આદર્યા છે.

રાજકોટ ખાતે યાજ્ઞિક રોડ પરની લકઝરીયસ હોટલમાં મુકામ કરીને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડો. હેમાંગ વસાવડા સહિતના સૌરાષ્ટ્રના પ્રદેશ હોદેદારોને ડેમેજ કંટ્રોલ માટે કામે લગાડાયાનું જાણવા મળે છે.

મળતા અહેવાલો મુજબ રાજ્ય ગ્રામ્યની બેઠક પર ઉમેદવારી કરનાર સુરેશ બથવાર સહિતના અમુક ઉમેદવારોએ કેન્દ્રીય આગેવાનો સાથેની વાતચીતમાં હકારાત્મક વલણ દાખવી પ્રતિભાવ આપ્યો છે.

મોરબીના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચિખલીયા તથા ગ્રુપનો અસંતોષ વધુ આક્રમક હોવાનું કહેવાય છે. આમ છતા કેન્દ્રીય કોંગી અગ્રણીઓએ સમજાવટ ચાલુ રાખીને ઘીના ઠામમાં ઘી પડી જશે તેવી આશા રાખી રહ્યા છે.

ચર્ચાતી વિગતો મુજબ આજે સવારથી જે બેઠકો પર કોંગ્રેસી આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે અને તેઓને કોંગ્રેસે ટીકીટ ફાળવી નથી તેવા સૌરાષ્ટ્ર-કચ્છના આગેવાનોની ઉમેદવારી પરત ખેંચાવી લેવાશે.

કેન્દ્રના બે ટોચના આગેવાનોએ આ મુદ્દા પર તથા જ્યાં જ્યાં અસંતોષની જવાળાઓ પ્રગટી છે ત્યાં રોષ ઠારવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

(10:54 am IST)