Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ઉનામાં ચોરીનો સીલસીલોઃ બસ સ્ટેશન પાસે બંધ ઓફિસમાંથી ૨.૬૪ લાખની ચોરી

ઉના, તા. ૨૪ :. એસ.ટી. બસ સ્ટેશન પાસે હોટલ પાછળ આવેલ રાજેશભાઈ વીરાભાઈ પંપાણીયા જાતે આહિર રહે. સુત્રાપાડા તાલુકાના લાખપર ગામના યુવાનની ઓફિસ આવેલ છે. જે ગત તા. ૨૦ના સાંજે બંધ કરી બહાર ગામ ગયા હતા.

તેઓ બે દિવસ પહેલા આવતા ઓફિસના શટરના તાળા તુટેલ હતા. ઓફિસમાં રાખેલ સી.સી. કેમેરાનું ડીવીઆર નંગ-૧, કટર નંગ-૨, મેજીક કોન નંગ-૧ રૂ. ૧૮ હજાર કિંમતનું તથા ઓફિસમાં રાખલે લોકર તોડી તેમા રાખેલ રૂ. ૨ લાખ ૪૬ હજાર ૯૮૮ રોકડાના મુદામાલની ચોરી કરી નાસી ગયાની આજ રોજ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીની કુલ રૂ. ૨,૬૪,૯૮૮ના મુદામાલની ચોરીની ફરીયાદ નોંધી તપાસ પોલીસ ઈન્સ્પેકટર વી.એમ. ખુમાણ કરી રહ્યા છે.

શહેર તથા ગ્રામ્ય પંથકમાં પોલીસની ધાક રહી ન હોય છાશવારે ચોરીના બનાવો બને છે અને પોલીસની નિષ્ક્રીયતા સામે જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. ભરશિયાળામાં તસ્કરો પોલીસની ઠંડી ઉડાડતા હોય એક પછી એક ચોરીના બનાવો બનતા જાય છે.(૨-૮)

 

(9:57 am IST)