Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા : દરરોજ માં ખોડલને અવનવા શણગાર - હવન - ધ્‍વજારોહણ

રાજકોટ તા. ૨૪ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ દ્વારા પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયુ છે.સંસ્‍થાના ચેરમેન નરેશભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ આ પદયાત્રા મંદિરે પહોંચ્‍યા બાદ ધ્‍વજા રોહણ કરાશે. નવરાત્રીમાં નવે નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન, ધ્‍વજારોહણ કરી શ્રધ્‍ધાળુઓ માતાજીની આરાધના કરશે.પ્રથમ નોરતે તા. ૨૬ ના સોમવારે સવારે ૭ વાગ્‍યે કાગવડ ગામથી આ પદયાત્રા પ્રસ્‍થાન થશે. જેમાં ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ટ્રસ્‍ટીઓ, સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન રાજકોટના ટ્રસ્‍ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્‍ટીઓ, ખોડલધામના જિલ્લા-તાલુકા અને ગ્રામ્‍ય કન્‍વીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ અને અન્‍ય સમિતિઓ તેમજ તમામ સમાજના ભાઇ બહેનો જોડાશે.

પદયાત્રાનું સમાપન ખોડલધામ મંદિરે થશે. જયાં માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્‍વજા ચડાવવામાં આવશે. નવરાત્રી દરમિયાન મંદિરની યજ્ઞશાળામાં દરરોજ હવન થશે. માં ખોડલને રોજ અવનવા શણગાર કરાશે અને ધ્‍વજારોહણ થશે.

સમગ્ર મંદિર પરિસરને લાઇટીંગ અને ફુલોથી શણગારવામાં આવેલ છે. બહોળી સંખ્‍યામાં ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડની યાદીમાં જણાવાયુ છે. 

(11:35 am IST)