Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જુનાગઢમાં રૂ.૧ લાખની લાંચ લેનારા નાયબ મામલતદાર મકવાણાનાં ઘરે રાત્રે સર્ચ

આજે કોર્ટમાં રજૂ કરી છે રીમાન્ડ મેળવાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૪: જૂનાગઢમાં રૂ.૧ લાખની લાંચ લેતા ઝડપાયેલ નાયબ મામલતદાર જે.મકવાણાનાં ઘરે રાત્રે સર્ચ કરવામાં આવ્યુ હતું.

જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાનાં નાયબ મામલતદાર જગદીશ ગોપાલભાઇ મકવાણાએ ગઇકાલે કેશોદરના એક અરજદાર પાસે જમીન  બિન ખેતી કરવા માટે રૂ.૩.૯૦ લાખની લાંચ માંગી હતી.જેમાં રકઝકનાં અંતે રૂ.ત્રણ લાખની લાંચ નક્કી થયેલ જેની ફરીયાદ થતાં જૂનાગઢ એસીબીનાં પી.આઇ. વાઘેલાએ ગઇકાલે તેમના અને પોરબંદર એસીબી સ્ટાફને સાથે રાખીને છટકુ ગોઠવ્યુ હતુ.

આ કાર્યવાહીમાં રૂ.ત્રણ લાખ પેટે રૂ.૧ લાખની લાંચ અરજદાર પાસેથી લેતા મામલતદાર મકવાણા રંગે હાથ ઝડપી લેવાયા બાદમાં તેમણે () તપાસ કરતા ટેબલના ખાતામાંથી રૂ.દોઢ લાખની રોકડ મળી આવતા તે પણ કબ્જે કરી મકવાણાની અટકાયત કરવામાં આવેલ.

આ પછી કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટીવ આવતાની સાથે મકવાણાની મોડી સાંજે વિધિવત ધરપકડ કરાઇ હતી.

ધરપકડ બાદ એસીબીના સ્ટાફે રાત્રે જયેશ મકવાણાનાં જુનાગઢમાં મીરાનગર વિસ્તારમાં આવેલ ઘરમાં સર્ચ કર્યુ હતું.

દરમ્યાન નાયબ મામલતદાર મકવાણાને જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની લોકઅપમાં રાત વીતાવી પડી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવશે.

(1:02 pm IST)