Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મુંબઈના મટકા કિંગ જયેશ સાવલાની ભુજમાંથી ધરપકડઃ મહારાષ્ટ્ર પોલીસે 'મોકા' હેઠળ કરી કાર્યવાહી

મોટો મટકા કિંગ ઝડપાતા 'મિલન' મટકા બજાર બંધ, મટકા કિંગ પપ્પુ સાવલા અને વિરલ સાવલાનો ભાઈ જયેશ ઝડપાતા મુંબઈની મટકા બજારમાં હલચલ

ભુજ, તા.૨૪: મહારાષ્ટ્રના કોલ્હાપુરની પોલીસે મટકા બજાર ઉપર ત્રાટકીને મુંબઈના મટકા બુકીઓની ઊંઘ ઉડાડી દીધી છે.

કોલ્હાપુર પોલીસે મટકા બુકી સલીમ મુલ્લાની ટોળકીને ઝડપીને તેના મુંબઈ તેમ જ ગુજરાત કનેકશનનો પર્દાફાશ કર્યો છે. કોલ્હાપુર પોલીસે મટકા કિંગ જયેશ હિરજી સાવલાની ભુજમાંથી ધરપકડ કરી હતી. અત્યારે મુંબઈના બોરીવલી માંથી મટકાનું નેટવર્ક ચલાવતો જયેશ હિરજી સાવલા મૂળ કચ્છનો છે. કોલ્હાપુર પોલીસે રવિવારે જયેશની ભુજ માંથી ધરપકડ કરી હતી. જયેશ મુંબઈના અન્ય જાણીતા મટકા બુકીઓ પપ્પુ સાવલાનો ભાઈ છે.

જયારે વિરલ સાવલાનો પિતરાઈ ભાઈ છે. સાવલા બંધુઓ મુંબઈમાં અત્યારે મટકા બુકીંગના મોટા ઓપરેટર મનાય છે. મહારાષ્ટ્ર પોલીસે મટકા કિંગ મુકેશ હિરજી સાવલાની 'મોકા' હેઠળ ધરપકડ કરી છે. કોલ્હાપુર કોર્ટ દ્વારા જયેશ સાવલાના ૨૬ જુલાઈ સુધી રિમાન્ડ મંજુર કરાયા છે. આ ધરપકડને પગલે મુંબઈના અન્ય મટકા બુકીઓ કોલ્હાપુર દોડી ગયા છે.  દરમ્યાન જયેશ સાવલાની ધરપકડને પગલે ટાઈમ બજાર, મિલન ડે બજાર અને મિલન નાઈટ બજાર ના ડ્રો બંધ રહ્યા હતા. જયેશની ધરપકડને પગલે મુંબઈ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ગોવાના મટકા બુકીઓમાં દોડધામ મચી ગઇ છે.

(11:43 am IST)