Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કચ્છના હરસિધ્ધીમાએ પોતાની પ વર્ષની પુત્રીની ચોકલેટમાંથી આબેહુબ પ્રતિકૃતી તૈયાર કરીને ચોકલેટ આર્ટિસ્ટોને પણ આશ્ચર્યમાં મુકી દીધા

મુંબઈ તા. ર૪ :કોરનાકાળના લોકડાઉન દરમ્યાન ઓનલાઇન ટીચિંગથી લઈને ઓનલાઈન સ્પર્ધાઓ પણ યોજાઈ. ઘરમાંથી બહાર નીકળી ન શકનારા અનેક લોકો ઓનલાઈન કોમ્પિટિશનમાં ભાગ લઈને પોતાનો શોખ પૂરો કરી રહ્યાં છે. શિક્ષણ સહિતના અનેક વિષયોમાં અનેક લોકોએ કંઇક નવું શીખવા સાથે સિદ્ધી પણ મેળવી છે. ત્યારે આવી જ એક કળામા નિપુણતા મેળવીને ભુજની મહિલાએ કચ્છનુ ગૌરવ વધાર્યુ છે. ચોકલેટ આર્ટની સ્પર્ધામાં કચ્છના હરસિદ્ધીબાએ ગણપતિ બાપાની મૂર્તિ બનાવી હતી અને ત્યાર બાદ  દેશના પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની કૃતિ તૈયાર કરી હતી.  

ચોકલેટ આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત એવા ફ્લોરિડા સ્થિત પોલ જોઅકીમ અને મુંબઈ સ્થિત રિંતુ રાઠોડ દ્વારા લોકડાઉન સમયગાળા દરમ્યાન 47 દેશના કુલ 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મુર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા ભૂજના રહેવાસી હરસિદ્ધીબા રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. હરસિદ્ધીબાએ સ્પર્ધામાં ક્લે વર્કમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ બનાવીને રજૂ કરી હતી.  

2400 પ્રતીસ્પર્ધીઓ વચ્ચે કચ્છની મહિલાની પ્રથમ પસંદગી થઈ છે. આ સ્પર્ધાના ઈનામ સ્વરૂપે ફ્લોરીડા સ્થિત ચોકોલેટ આર્ટિસ્ટના ફ્રી સેશન ગિફ્ટ તરીકે હતા. ઉલ્લેખનીય છે કે, પોલ જોઅકીમ એક સેશનના ૨ લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સેશનમા પોલ દ્વારા ચોકલેટનો ઉપયોગ કરી કઇ રીતે મૂર્તિ બનાવવી તે શીખડાવવામાં આવ્યુ હતું. હરસિદ્ધીબાએ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટિસ્ટને પણ આશ્ચર્યમા મૂકી દીધા હતા. પોલ જોઅકીમ ખુદ આશ્ચર્યમા આવી ગયા હતા કે, કેવી રીતે એક મહિલાએ માત્ર ઓનલાઈન ક્લાસ દ્વારા આટલી સરસ ચોકલેટ પ્રતિમા બનાવી.

જોકે, આ બાદ હરસિદ્ધીબાએ માત્ર 7 દિવસમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચોકલેટની પ્રતિમા બનાવી હતી. આમ એક કચ્છી યુવતી એ દેશ વિદેશ સુધી પોતાની ટેલેન્ટ ની રજુઆત કરી નામ રોશન કર્યું હતું.

(4:53 pm IST)