Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જેતલસરમાં સગીરાની હત્યાના ચકચારી પ્રકરણનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો

આરોપીને કડક સજા થાય તે માટે સ્પેશ્યલ પી.પી.ની નિમણુંક કરોઃ રાજયનાં બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરપર્સન જાગૃતીબેન પંડયા ગૃહ વિભાગને ભલામણ કરશે

રાજકોટ, તા., ૨૪: જેતપુરમાં સગીરાની હત્યાનાં ચકચારી બનાવનાં આરોપીને ઝડપી અને કડક સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ પ્રકરણનો કેસ ચલાવવા અને ખાસ પી.પી.ની નિમણુંક કરવા રાજયના બાળ અધિકારી સંરક્ષણ આયોગનાં ચેરપર્સન જાગૃતીબેન હરેનભાઇ પંડયાએ માંગ ઉઠાવી છે.

જેતપુર તાલુકાના જેતલસરમાં તા.૧૬-૩-૨૦૨૧ના રોજ સગીરાની હત્યા અંગે ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી જાગૃતી પંડયાએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરતા પ્રતિભાવ આપેલ છે કે ઘટનાને હળવાશથી લઇ શકાય નહી. આરોપને કડક અને ઝડપથી સજા મળે તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તથા સ્પેશ્યલ પી.પી. નીમવામાં આવે તે માટે ગૃહ વિભાગને આયોગ તરફથી ભલામણ કરવામાં આવશે. વધુમાં કેસમાં કોઇ કચાશ ન રહે, કેસનું વખતોવખત મોનીટરીંગ કરવામાં આવે તે માટે પણ આયોગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. બાળ અધિકારોની જાળવણી માટે આયોગમાં બનાવની નોંધ લઇ જે કંઇ કરવુ પડે તે કરવાની તત્પરતા શ્રીમતી જાગૃતી પંડયાએ દર્શાવી હતી. (૪.૧૬)

(4:07 pm IST)