Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હળવદના કવાડીયા પાટીયા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઠાકોર સમાજના આશાસ્પદ યુવકનું મોત

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૪ : તાલુકાના કવાડીયા ગામનાં પાટીયા પાસે બેફામ બનેલા કારચાલકે હળવદ તાલુકાના શકિતનગર ગામે રહેતા ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાનના બાઈકને હડફેટે લેતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ અકસ્માત સમયે ઘટનાસ્થળે પહોંચેલા મૃતકના ભાઇઓના આક્રંદથી વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. આ ઘટનાના પગલે નાના એવા શકિતનગર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હળવદ તાલુકાના શકિતનગર ગામે રહેતા સહદેવભાઈ (ગડુ) અઘારા (ઠાકોર) જેઓની અનાજ કરિયાણાની દુકાન લીલાપર રોડ પાસે આવેલ એક પેપર મીલ પાસે ધરાવે છે.તેઓ દુકાનેથી પરત ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે ધ્રાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતી કાર નંબર જી.જે ૧-કે.એક્ષ.૭૧૬૧ના ચાલકે અકસ્માત સજર્યો હતો અને ત્યાંથી નાસી છુટ્યો હતો.

જેથી, ગંભીર રીતે ઘવાયેલ સહદેવભાઈને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ધ્રાંગધ્રા અને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેઓનું મોત નીપજયું હતું. મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં અકસ્માત સર્જી નાસી છુટેલ કારચાલક વિરૂદ્ઘ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(11:47 am IST)