Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૧પમાં નાણા પંચની વિકાસ કાર્યોની રકમ ગ્રામ પંચાયતની જેમ સીધી જ જીલ્લા અને તાલુકા પંચાયતોમાં જમા થશે

ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે સમર્પિત કેન્દ્ર સરકારશ્રીનો વધુ એક ઐતિહાસિક નિર્ણય : આઝાદી બાદ પ્રથમ વખત આભાર વ્યકત કરતા સંસદસભ્ય પુનમબેન માડમ

જામનગર તા.ર૪ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પુનમબેન માડમએ લોકસભામાં ગ્રામ્ય વિકાસને લગત એક મહત્વનો પ્રશ્ન પુછીને પંચાયતના જીલ્લા અને તાલુકા એકમોમાં ગ્રામ પંચાયતોની જેમ સીધી જ નાણાકીય સહાય અંગેની જોગવાઇ અંગ વિગતો પુછી હતી. જેનાં જવાબમાં કેન્દ્રીયમંત્રી પુરૂષોતમ રૂપાલાજીએ  જણાવ્યું હતું કે મારા જામનગર દ્વારકા જીલ્લાના પ્રવાસ દરમ્યાન પણ સંસદસભ્ય પુનમબેન માડમએ આ મુદ્દો મુકયો હતો તેમજ રૂપાલજીએ ઉમેર્યું કે ૧પમાં નાણાપંચની ગ્રાન્ટની ગ્રામ વિકાસની મળવા પાત્ર રકમ સીધીજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જમા થશે જે વિકાસ કાર્યો માટે ખૂબ સરળ બાબત બની રહેશે.

સંસદસભ્ય પુનમબેન માડમએ જણાવ્યું છે કે નરેન્દ્રભાઇ મોદીના ગ્રામ વિકાસનો જે સંકલ્પ છે તે સિદ્ધ કરવા પંચાયતોને સીધી જ નાણાકીય મદદ મળે તે દિશામાં આઝાદી બાદ પ્રથમ વખત આ જોગવાઇ થઇ છે.

આ તકે સંસદસભ્ય પુનમબેન માડમએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરજી તથા કૃષિ રાજયમંત્રી પુરૂષોતમજીનો આભાર વ્યકત કરી ઉમેર્યું છે. કે કેન્દ્ર સરકારશ્રી મોદી નેતૃત્વમાં ગ્રામીણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે તેમજ ગામડાઓનો વિકાસ શહેરોની સમાંતર જ છેલ્લા વરસોમાં થયો છે. તેવો અગાઉ કયારેય થયો ન હતો તેમજ વિકાસ કાર્યોની ગ્રાન્ટ માટે પંચાયતોમાં ફંડ સીધુ જમા કરવાની વિશેષ જોગવાઇ કરાઇ છે તે ખુબ મહત્વપૂર્ણ બની રહેશે.

(11:38 am IST)