Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

પોલીસની દિલેરી

કોઇ ફરિયાદ વગર રાજકોટના NRI પરિવારના ગુમ થયેલ લાખોના દાગીના શોધી આપ્યા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી - ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસને ખાનગી તપાસ સોંપી દાગીના શોધી આપતા સુરેન્દ્રનગર પોલીસ પર શુભેચ્છા વર્ષા

વઢવાણ તા. ૨૪ : લીંબડી હાઇવે પર ઓનેસ્ટ હોટલ પાસે ઇનોવા કારમાંથી રાજકોટ આવી રહેલા એનઆરઆઇ પરિવારના રૂ. ૮ થી ૯ લાખના દાગીના ગુમ થઇ ગયેલ હોઇ આ પ્રકરણમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કોઇપણ જાતની ફરીયાદ નોંધ્યા વગર (લખાણપટ્ટીમાં સમય બગડે નહી તે માટે) ખાનગી તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ આ એનઆરઆઇ પરિવારને તેઓના સોનાના દાગીના શોધી પરત અપાવતા સુરેન્દ્રનગર પોલીસ આ પ્રેરક કાર્યને સૌ બિરદાવી રહ્યા છે.

આ બનાવની વિગત મુજબ  ગઇ તા. ૫.૨.૨૦૧૮ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ ઉપર ચા પાણી નાસ્તો કરવા આવેલ. આ મહિલા અમદાવાદ એરપોર્ટ પરથી ઇનોવા ભાડે કરી, ડ્રાઇવર સાથે રાજકોટ આવવા રવાના થયેલ હતા. તેઓએ પોતાની દીકરીને લગ્નમાં પહેરાવવાના સોનાના દાગીના આશરે ૩૦ તોલા કિંમત રૂપિયા આશરે આઠ થી નવ લાખની કિંમતના પોતાની સાથે લીધા હતા અને લીંબડી પહોંચતા, દાગીનાની બેગ કારમાં જ રાખી,ઙ્ગ ચા પાણી નાસ્તો કરવા ઓનેસ્ટ હોટલ ઉપર રોકાયેલ. પરત આવીને ચેક કરતા, આશરે ૩૦ તોલા આશરે ૮ થી ૯ લાખના સોનાના દાગીનાનું પાઉચ ગુમ થયેલાની જાણ થતાં, લીંબડી પોલીસને જાણ કરવામાં આવેલ. પોતાને દીકરીના લગ્ન હોય રાજકોટ જવું જરૂરી હોઇ, એનઆરઆઇ મહિલાના કુટુંબ ઉપર ધર્મ સંકટ આવી ગયેલ હતું. પોતાને પોલીસ ફરિયાદ કરવા તથા પોલીસ કાર્યવાહી કરવાનો પણ સમય ના હતો. દરમિયાન આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી ને કરવામાં આવતા, તેઓએ પરિસ્થિતિ પામીને લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને એનઆરઆઇ મહિલાના કુટુંબને મદદ કરવા તથા માતબર રકમના સોનાનું પાઉચની તપાસ કરી, એનઆરઆઇ મહિલાને સોનુ પરત અપાવવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી.

આથી ંલીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પ્રમોદસિંહ જાડેજા, કે.કે.કલોતરા તથા સ્ટાફ દ્વારા એનઆરઆઇ મહિલાની ફરિયાદ કરેલ ના હોવા છતાં અને માત્ર ફોનથી જાણ કરવા છતાં, ખાનગીમાં તપાસ ચાલુ કરી, ઓનેસ્ટ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તેમજ વોચમેન તેમજ હાજર માણસોની પૂછપરછ કરવાની ચાલુ કરવામાં આવેલ હતી. સીસીટીવી ફૂટેજમાં ભાડે કાર માંથી કોઈ ચોરી થયેલ નહીં હોવાની વિગત જણાઈ આવેલ હતી. પોલીસને ઇનોવા કારમા જ વસ્તુ હોવાનો પાકો વહેમ ગયેલ હતો. ઇનોવા કારના નંબર આધારે તપાસ કરતા, આ કાર અમદાવાદના મણિનગર ખાતે રહેતા, રબારીની હોવાનું જણાઈ આવેલ હતું. જેથી, અન્ય તપાસના કામે અમદાવાદ ગયેલ લીંબડીના પો.સ.ઇ. કે.કે.કલોતરા, હે.કો. દશરથસિંહ, સાહિતની ટીમ દ્વારા કારના માલિકને મળી, ડ્રાઇવર અને કાર અંગે તપાસ કરતા, રાજકોટ હોવાનું જણાય આવેલ. જેથી આ પોલીસ ટીમ તાત્કાલિક રાજકોટ ખાતે પહોંચી, ડ્રાઇવર ને બોલાવી, પોલીસ ટીમ દ્વારા કારમાં ફરીથી તપાસ કરવામાં આવતા, ડ્રાઇવર સીટનીઙ્ગ પાછળ ચેઇન વાળા ખાનામાંથી તમામ આશરે ૩૦ તોલા દાગીના જેમના તેમ જે તે હાલતમાં મળી આવતા, રજુ કરી દીધા હતા. કારના ડ્રાઇવરની જાણ બહાર કારમા રહેલા સોનાના દાગીના ઓછી મહેનતે સહેલાયથી મોટી રકમના દાગીના મળી ગયેર્લં હતા.

આમ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મહેનત કરી, સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરી, એનઆરઆઇ મહિલાના ૭ થી ૮ લાખ ના પોતાની દીકરીના લગ્ન માટે બનાવેલા સોનાના દાગીના પરત અપાવેલા હતા. એનઆરઆઇ મહિલાએ દાગીના ભરેલ પાઉચ ઇનોવા કારમાં ડ્રાઇવર સીટ પાછળના ચેઇન વાળા ખાનામાં મુકેલ પરંતુ, ભુલાઈ જતા, ગુમ થયેલાનું માલુમ પડેલ હોવાનું જણાય આવેલ હતું. લીંબડી પોલીસ દ્વારા એનઆરઆઇ મહિલાના સોનાના દાગીના માટે ધ્યાન આપી, તપાસ તેજ કરવાથી પોતાના ઘરેણાં પાછા મળી ગયેલા અને પોતાને બે ત્રણ દિવસમાં પરત અમેરિકા જવાનું હોય, સુરેન્દ્રનગર પોલીસનીઙ્ગ ત્વરિત કાર્યવાહીના કારણે આ શકય બન્યું હતું. પોતાના ઘરેણાં પાછા મળતા એનઆરઆઇ મહિલા ગદગદ થઈ ગયેલ અને ગુજરાત પોલીસની સેવાકીય કાર્યવાહીના વખાણ કરેલ અને પોતાની દીકરીને લગ્નમાં આપવાના સોનાના દાગીના પરત મળતા, વિશેષ આનંદ થયો હોવાનું જણાવી, એનઆરઆઇ મહિલા અને તેમના રાજકોટ વસતા કુટુંબીજનોએ આભાર વ્યકત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ બને પક્ષે સહાનુભૂતિ દર્શાવી, 'પોલીસ પ્રજાનો મિત્ર છે.' એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ. જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી એ લીંબડી પોલીસની ટીમને પ્રજા ઉપયોગી કાર્ય કરવા બદલ અને ખાસ કરીને વિદેશથી આવેલ એનઆરઆઇ ને મદદ કરવા બદલ અભિનંદન આપેલ હતા.

(1:01 pm IST)