Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મોરબીના ઐતિહાસિક ઝુલતાપુલનો વહીવટ ફરીથી પાલિકા સંભાળશે

મોરબી તા. ૨૪ : મોરબીના રાજવી પરિવારે આપેલી ભેટ સમાન ઐતિહાસિક ઝુલતા પુલનું કામકાજ ખાનગી કંપનીએ સાંભળ્યું હોય જોકે ૧૦ વર્ષનો કરાર પૂર્ણ થતા હવે ખાનગી કંપનીએ ફરીથી તંત્રને ઝુલતા પુલનું કામકાજ સોપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પાલિકા કચેરી ઝુલતા પુલનો વહીવટ સંભાળશે.

મોરબીમાં રાજાશાહી શાસનમાં નગરજનોને એતિહાસિક ઝુલતા પુલ, મણી મંદિર જેવી ભેટો મળી છે જોકે બાદમાં તંત્ર જાળવણી કરવા સક્ષમ ના હોય ૧૦ વર્ષ માટે ઝુલતા પુલનું સંચાલન ખાનગી ઓરેવા કંપનીને આપવામાં આવ્યું હતું અને ખાનગી કંપની દ્વારા જર્જરિત ઝુલતા પુલનું મેન્ટેનંસ કરીને ૧૦ વર્ષ માટે સંચાલન કરવામાં આવ્યું હતું જોકે ૧૦ વર્ષનો કરાર પૂર્ણ થયા બાદ હવે ખાનગી કંપની ઝુલતા પુલનો વહીવટ ફરીથી તંત્રને પરત આપી દેવાની દરખાસ્ત કરી છે ત્યારે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે અને ખાનગી કંપનીએ તંત્રને વહીવટ પરત સોપ્યો હોય જેથી હવે પાલિકા ઝુલતા પુલનો વહીવટ સાંભળી લઈને ઝુલતા પુલનું કામકાજ અને વહીવટ સંભાળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૮૮૭ ની સાલમાં નિર્માણ પામેલ એતિહાસિક ઝુલતા પુલને પાલિકા સાંભળી લેશે અને લોકો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે. વર્ષ ૧૮૮૭ માં બંધાયેલો ઝુલતા પુલની લંબાઈ ૩૬૫ ફૂટ અને ૪.૬ ની પહોળાઈ ધરાવતો પુલ છે જે નદી પર બંધાયેલો છે અને ઝૂલતો હોવાથી તેને ઝુલતા પુલનું નામ આપવામાં આવેલ.

મોરબીની મચ્છુ નદી પર કોઝવે - વોકવે માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય અને સામાકાંઠા વિસ્તારમાં નાગરિકોની અવરજવર રહેતી હોય છે જેથી મોરબીના મચ્છુ નદી પર કોઝવે અને વોકવે બનાવવા રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.

વિશ્વ હિંદુ પરિષદના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજયના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી નગરમાં ઝુલતાપુલ નીચે મહાપ્રભુજી બેઠક આવેલી હોય તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ શ્રદ્ઘાળુઓ જતા હોય છે તે ઉપરાંત સામાકાંઠે એલ.ઈ. કોલેજ આવેલી હોય જેથી વિદ્યાર્થીઓને પણ સામાકાંઠે જવાનું હોય છે જેથી મચ્છુ નદી પર સામાકાંઠે જવા માટે કોઝવે (બેઠો પુલ) અને વોકવે બનાવવાની જરૂરીયાત હોય આ મામલે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.(૨૧.૬)

(10:03 am IST)