Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ધોરાજીની જાનુહસન હોસ્પીટલની જમીન ટ્રસ્ટને બક્ષિસ પ્રકરણમાં કાલે ચેરીટીમાં સુનાવણી

રાજકોટ, તા., ૨૪: ધોરાજીની એકસો કરોડના બજાર ભાવની જાનુહસન હોસ્પીટલની જમીન ટ્રસ્ટને વિનામુલ્યે બક્ષિસ આપવાના પ્રકરણની કાલે ચેરીટી કમિશ્નરમાં સુનાવણી થનાર છે.

મળતી વિગત પ્રમાણે ૧૯૪૦ની સાલમાં ગોંડલના ભવતતસિંહ સ્ટેટ પાસેથી ર૬૧૪૮ ચો.મી. જમીન રૂ. ૭રપર માં જાનુહસન હોસ્પીટલ ટ્રસ્ટ મારફત ખરીદવામાં આવી હતી. ૧૯૮૪ ની સાલમાં આ જમીન હાજી ઇબ્રાહીમ સુપેડી વાલાએ રૂ. ૪૫ લાખમાં ખરીદ કરી હતી ત્યારે જબરો વિવાદ થવા પામ્યો હતો. સમગ્ર પ્રકરણ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યું હતું. ત્યારે સુપેડીવાલાએ શાહિન મેમોરીયલ ટ્રસ્ટ હેઠળ હોસ્પીટલનો હેતુ ચાલુ રાખશે તેમ જણાવવા છતાં ટ્રસ્ટીઓએ જમીન ન આપતા સંયુકત ચેરીટી કમિશ્નરને ટ્રસ્ટીઓને અંગત રીતે પ૦ લાખ ચુકવવાનો હુકમ તા.રપ-૮-૯૯માં કર્યો હતો. આ રકમ આજ દિવસ સુધી પરત ન મળી હોય ઇબ્રાહીમ સુપેડીવાલાએ વાંધા અરજી કરી ટ્રસ્ટ પાસે લેણી રકમની માંગ કરી છે. જો કે ટ્રસ્ટ માત્ર શૈક્ષણીક હેતુનું હોય તેમાં ૨૦૧૬ની સાલમાં હોસ્પીટલનો હેતુ ઉમેરી મંજુર કરાવી લેવાયો હતો. જો કે ધોરાજીની જાનુહસન હોસ્પીટલની જમીન ટ્રસ્ટને બક્ષિસ સામે અનેક મેમણ અને મુસ્લીમ સંસ્થાઓ આગેવાનોએ વાંધા નોંધાવ્યો છે.

રાજકોટના અગ્રણી મેમણ કાર્યકર્તા બશીરભાઇ લાખાણીએ મુંબઇ હાઇકોર્ટના અપીલ નં. ૧૨૨૫/૧૯૨૫ા ચુકાદા મુજબ આ જમીનના પ્રથમ લાભકર્તા હાલાઇ મેમણ હોવાને નાતે જમીન પોતાના રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ફાળવવા માંગ કરી છે. એ જ પ્રમાણે રાજકોટના યુનુસભાઇ જુણેજાએ હુસેન મેમોરીયલ ટ્રસ્ટને જમીન બક્ષિસ માટે જણાવ્યું છે. જયારે ધોરાજીના સ્થાનીક સંધી મુસ્લીમ સમાજના આગેવાન શરીફભાઇ ચકુભાઇ શકરીયાણીએ પણ પોતાને જમીન ફાળવવામાં આવે તો સુંદર અદ્યતન હોસ્પીટલ શરૂ કરવા બાંહેધરી આપી છે.

અબ્દુલ્લા હાજી ઇકબાલ જાનુહસન ઉર્ફે અબ્દુલ્લા ગાડાવાળા (સુરત), આકિલ અશરફ જાનુહસન (અમદાવાદ) અને રઉફ અજીજ જાનુ (બહારપુરા, ધોરાજી) હાલમાં જાનુ હસન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનું જાણવા મળે છે.

(4:08 pm IST)