Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જુનાગઢ ખાતે કૃષિ વૈજ્ઞાનિકોનો પોસ્ટ હાર્વેસ્ટ વાર્ષિક વર્કશોપ

ગુજરાતનો ખેડૂત ખુદ એક વૈજ્ઞાનિક છે અને તેમનું ખેતર પ્રયોગશાળા છે

જૂનાગઢ તા.૨૪ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૩-૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ દરમ્યાન ઓલ ઇન્ડિયા કો-ઓડિનેટેડ રીસર્ચ પ્રોજેકટ ઓન પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ અને ટેકનોલોજીના ૩૩માં વાર્ષિક વર્કશોપ સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.નાં ચેરમેન દિલીપભાઇ સંદ્યાણીનાં મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. વર્કશોપમાં દેશભરમાં ફેલાયેલ ૩૦ કેન્દ્રોમાંથી આશરે ૭૦ વૈજ્ઞાનિકોએ તેમનાં સંશોધનો અને નવા નવા આવિશ્કારોની વિગતો સાથે ભાગ લીધો હતો. કૃષિ સંશોધનને લગતી શિરમોર સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી, લુધિયાણાના પણ વૈજ્ઞાનિકોએ પણર્કશોપમાં ભાગ લીધો હતો. વર્કશોપમાં ખેતી પેદાશોમાં કરવામાં આવતા મુલ્યવર્ધનની ટેકનોલોજી તથા તેના સબંધિત મશીનરી, મુલ્યવધિર્ત પેદાશો, પાકની કાપણી બાદ થતા બગાડ ને અટકવવાના ઉપાયો વગેરે પર હાથ ધરવામાં આવેલ સંશોધન પર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી સાથે ભવિષ્યની જરૂરીયાતને લક્ષમાં રાખી હાથ ધરવાના થતા નવા સંશોધનના આયોજન અંગે પણ મનોમંથન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉપકુલપતિ ડો. એ.આર.પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિપ્રધાન ભારત દેશની મહત્તમ વસ્તી ખેતી અને ખેતી સંલગ્ન વિષયો પર નિર્ભરીત રોજગાર પર નિર્ભરીત છે, વાતાવરણની અનિયમિતતા, શ્રમસાધકોની અછત, ખેતી ખર્ચનું વધવુ જેવા પરિબળોને કારણે આજે ખેતી દિન પ્રતીદિન કપરી થવાનાં કારણે ગ્રામિણ જનજીવને શહરે તરફ મીટ માંડી છે. આ વિપરીત પરિસ્થિતિમાં ગામડા ટકાવવા અને ખેતીને બચાવવા ખેતીને સરળ બનાવવા નવી દિલ્હીથી પધારેલ આઇ.સી.એ.આર.નાં આસીસ્ટન્ટ ડાયરેકટર જનરલ ડો. એસ.એન ઝા અને ડો. આર.કે ગુપ્તા દેશભરનાં વિવિધ રાજયોનાં ૩૧ કેન્દ્રોનાં કૃષિ વૈજ્ઞાનીકો અને કૃષિ તજજ્ઞો સાથે મંથન કરશે.

કાર્યક્રમનાં ઉદઘાટક ડાયરેકટર સી.આઇ.પી.એચ.ઇ.ટી લુધિયાણાનાં ડો. આર.કે.ગુપ્તાએ જણાવ્યુ હતુ કે આજના ઝડપથી બદલાતા યુગમાં સંશોધનો દ્વારા ખેતીમાં પણ ઘણા આવિષ્કારો થતા રહ્યા છે. જેમાં જળસંચય, જળ નિયમન, યાંત્રિકીકરણ, ખેતીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ અને પાકનું કાપણી પછીનું વ્યવસ્થાપન તેમજ મૂલ્યવર્ધનએ ખુબજ અગત્યની હોય, બધી બાબતોને એક સાથે સાંકળવામાં આવે તો જ પાકસંર્ધનની પ્રક્રિયા સરળ બનશે જેને લીધે ખેતીની આવકમાં વધારો થશે તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કાર્યક્રમનાં મુખ્ય મહેમાનપદેથી ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતા સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.નાં ચેરમેન દિલીપભાઇ સંદ્યાણીએ જણાવ્યુ હતુ કે દેશ અને દુનિયાનાં વૈશ્વિક પડકારોને પહોંચી વળવા આપણી ખેતપધ્ધતીને આધુનિક બનાવવી પડશે. આપણાં ખેડુતો ખેતીની અવનવી ટેકનોલોજીથી માહિતગાર થાય તેનો પ્રત્યક્ષ નિદર્શન લઈ શકે અને ખેતીમાં તેને અપનાવી પોતાની ખેતીને સરળ અને રસ સભર બનાવી શકે તે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હીનાં માર્ગદર્શન તળે કૃષિ યુનિ.નાં નવા નવા આયામો લેબ ટુ લેન્ડ સુધી પહોંચતા થયા છે. નવી દિલ્હીથી પધારેલ આઇ.સી.એ.આર.નાં આસીસ્ટન્ટ ડાયરેકટર જનરલ ડો. એસ.એન ઝાએ કરતા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ટેકનોલોજી અને યાત્રીકરણનાં ઉપયોગનાં લાભાલાભ ખેડુતોએ સમજવા પડશે. ખેડૂતો વધુ કમાણી કરી શકે તે માટે પોતાની ખેત પેદાશોનું ગ્રેડીંગ કરી વેચાણમાં મૂકવું તેમજ ગ્રામ્ય લેવલે તેનુ પ્રોસેસીંગ કરી મૂલ્યવર્ધન કરે તે દિશામાં આગળ વધુ પડશે.ગુજરાતનો ખેડુત ખુદ એક વૈજ્ઞાનીક છે અને તેમનું ખેતર પ્રયોગશાળા છે. દેશમાં ૨૭૬ મીલીયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થાય છે. ૩૦૫ મીલીયન ટમ હોર્ટીકલ્ચર કૃષિ ઉત્પાદન થાય છે. કૃષિ ઉત્પાદન વધશે ત્યારે તેનું મુલ્યવર્ધન કરવુ જરૂરી છે. એગ્રો પ્રોસેસીંગથકી કૃષિ જણસનાં યોગ્ય ભાવ મેળવી શકાશે.  

કાર્યક્રમના પ્રારંભે કૃ.ઈ.ટે.કો.,જૂ.કૃ.યુ., જૂનાગઢનાં આચાર્ય ડો. એન.કે ગોંટીયાએ આમંત્રીતોને આવકારી ૩૩માં પોસ્ટ હાર્વેસ્ટ એન્જીયરીંગ એન્ડ ટેકનોલોજીનાં એન્યુઅલ ફંકશનમાં પધારેલ દેશભરનાં વિવિધ રાજયોનાં ૩૧ કેન્દ્રોનાં કૃષિ વેજ્ઞાનીકોને જૂનાગઢ કૃષિ યુનિ.ની સંશોધન અને શૈક્ષણીક ક્ષેત્રે હાથ ધરાયેલ પ્રવૃતિઓ અને સિધ્ધીઓની જાણકારી આપી હતી. પૈારાણિક ખેત પધ્ધતીને બદલે ગુજરાતનાં ખેડુતોએ અપનાવેલ યાંત્રીક ખેતી સાથે આધુનીક કૃષિ પધ્ધતિ અને સુધારેલ બીયારણો અને કૃષી વૈજ્ઞાનીકોનાં માર્ગદર્શન બાદ ખેતી ક્ષેત્રે આવેલ બદલાવની વિગતો આપી હતી.

આ તકે મહાનુભાવોનાં હસ્તે દેશનાં વિવિધ પ્રાંતોનાં અભ્યાસ કેન્દ્રો પર કામ કરતાં કૃષી વૈજ્ઞાનીકએ તૈયાર કરેલ પુસ્તકાઓનું વિમોચન કર્યુ હતુ. આ તકે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. અમૃત પારખીયા, સ;શોધન નિયામક ડો. વી.પી.ચોવટીયા, એમ.એન,ડાભી,

કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલયના ડો. પરેશ ડાવરા, ડો. પી.એન.સરસાવડીયા, ડો. આર.એમ. સતાસીયા, ડો. કે.બી.ઝાલાએ જહેમત ઉઠાવી હતી. કૃષી. યુનિ.નાં વૈજ્ઞાનીકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)