Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

'પદ્માવત'ના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ભભુકતો રોષ

બંધના એલાનમાં જોડાવવા માટે અપીલઃ કાલે ધ્રાંગધ્રા સજ્જડ બંધ પાળશે

રાજકોટ, તા. ૨૪ :. 'પદ્માવત' ફિલ્મ સામે ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે કાલે ભારત બંધના એલાનના સમર્થનમાં લોકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લા - તાલુકા મથકોએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જ્યારે જુદા જુદા સ્થળોએ સિનેમા ઘરોમાં ફિલ્મ ન બતાવવા માટે અપીલ કરાઈ છે.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રાઃ કરણી સેના દ્વારા સમગ્ર ભારતમાં પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં પણ કરણી સેના તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પરશુરામ ગ્રુપ અને શહેરના નાના મોટા વેપારીઓએ તેમજ સામાજીક સંસ્થાઓ અને તમામ સમાજના લોકો આ બંધને સમર્થન આપી રહ્યા છે. આ તકે ધ્રાંગધ્રા શહેર કરણી સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા શાપર તેમજ ગ્રામ્ય પ્રમુખ શકિતસિંહ ઝાલા કોંઢ સમગ્ર લોકોના સાથ સહકાર બદલ આભાર વ્યકત કરે છે.

વાંકાનેર

વાંકાનેરઃ પદ્માવત ફિલ્મ સામે ભારતમાં અનેક જગ્યાએ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. કરણી સેના તથા રાજપુત સમાજ સાથે હિન્દુ સંગઠનો સંસ્થા દ્વારા વાંકાનેરમાં અગાઉ રેલી અને આવેદન પત્ર આપવામાં આવેલ. માં પદ્માવતીના જીવનચરિત્રમાં ફેરફારો દર્શાવી આ ફીલ્મ રજુ થનાર છે ત્યારે કરણી સેના અને રાજપુત સમાજ તથા હિન્દુ સમાજની લાગણી સાથે ચેડા કરનારી ફિલ્મના વિરોધમાં તા. ૨૫મીએ ભારત બંધનું એલાન અપાયુ છે ત્યારે વાંકાનેરના તમામ વેપારીઓ પણ સ્વયં બંધમાં જોડાય અને પદ્માવત ફિલ્મ સામે બંધ પાળી પ્રજા તેનો વિરોેધ દર્શાવે તેવી લાગણી વ્યકત કરતા વાંકાનેર રાજપુત સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલાએ સર્વે વેપારીઓને બંધમાં જોડાવા સહકાર આપવા અપીલ કરી છે.

માળીયાહાટીના

માળીયાહાટીનાઃ સતી પદ્માવતી ફિલ્મ રીલીઝ કરવા સામે દેશભરમાં જાગેલા વિરોધના પગલે રાજપુત સમાજ કરણી સેના દ્વારા તા. ૨૫ના રોજ અપાયેલ બંધના એલાનમાં માળીયાહાટીના પણ જોડાશે.

આ અંગે ગઈકાલે રીઝવાન ફાઉન્ડેશનના કોમ્યુનીટી હોલ ખાતે યુવા સંગઠન ચેમ્બર ઓફ કોમર્સ તથા ગ્રામ આગેવાનોની એક બેઠક મળી હતી. તા. ૨૫ જાન્યુઆરીના બંધમાં જોડાઈને ફિલ્મનો વિરોેધ કરવો. વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખવા તેમજ સવારે રેલી સ્વરૂપે જઈને મામલતદારને આવેદન પત્ર પાઠવવાનો નિર્ણય લેવાયો હતો.

ધોરાજી

ધોરાજીઃ માનવ અધિકાર કમિટીના ચેરમેન તથા યુવા વકીલ બાબુલાલ જાગાણીએ જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજનું ફિલ્મ પદ્માવત અંગે આંદોલન ચાલી રહ્યુ છે તેમા ફકત ક્ષત્રિય સમાજ જ નહિ પરંતુ આ ફિલ્મના નિર્માતાએ આમ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. કોઈપણ ભોગે આ ફિલ્મને ધોરાજીમાં દર્શાવવા દેવામા નહી આવે તેમજ ક્ષત્રિય સમાજ ભવિષ્યમાં પણ આવા ઈતિહાસ સાથે તેમજ સમાજ સાથે કોઈપણ ક્ષેત્રે આંદોલન કરશે તો તેમ ક્ષત્રિય સમાજ સાથે જ છે તેમ બાબુલાલ જાગાણીએ જણાવેલ છે.

ભાવનગર જીલ્લાની શાળાઓમાં વિવાદ ન સર્જાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ''પદમાવત''ના ગીત ન વગાડવા આદેશ

 ભાવનગર તા. ર૪ : ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીના પોતાના તાબા નીચેની શાળાઓને પાઠવેલ પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ થતા રાજયભરમાં આપત્રની નોંધ લેવાઇ છે. પત્રમાં પદમાવત ફિલ્મના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સમાવેશ ન કરવા જણાવાયું છે.

છેલ્લા ત્રણ દિવસ રાજયભરમાં રીલીઝ થનાર 'પદમાવત' ફિલ્મનો રાજયભરમાં વિરોધ થઇ રહ્યો છે. સરકારી મિલ્કતને નુકશાન પહોંચી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીના જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ તાલુકાના પ્રાથમીક શિક્ષણાધિકારી બી.આર.સી.કો.ઓડીનેટરને પત્ર પાઠવ્યો છે. જેમાં સરકારી/ખાનગી-ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ, આશ્રમશાળા, કેજીબીવી/મોડેલ સ્કુલને ઉદેશવામાં આવી છે. તેઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પદમાવત ફીલ્મના ગીતોનો સમાવેશ ન કરવા જણાવાયું છે.

(11:50 am IST)