Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

'પદ્માવત'ના વિરોધમાં ભાડેર-જાગધારમાં એસ.ટી. ઉપર પથ્થરમારો

ભાવનગરનાં જાગધાર અને ધોરાજીના ભાડેર પાસે એસ.ટી. બસના ફુટેલા કાચ નજરે પડે છે (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ, તા. ૨૪ :. 'પદ્માવત' ફિલ્મના વિરોધમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા આક્રોશ છવાયો છે અને લોકો દ્વારા એસ.ટી. બસ ઉપર પથ્થરમારો, ચક્કાજામ, આવેદન, ધરણા કરીને રોષ વ્યકત કરી રહ્યા છે.

ત્યારે ધોરાજીના ભાડેર અને ભાવનગરના જાગધારમાં એસ.ટી. બસ ઉપર પથ્થરમારો, ચક્કાજામ કરીને વિરોધ વ્યકત કર્યો હતો.

ધોરાજી-પાટણવાવ

ધોરાજી-પાટણવાવઃ ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમા પદ્માવત ફિલ્મનો વિરોધ ઉઠતા ધોરાજી એસ.ટી. ડેપોની પાંચ બહેનો જે જે ગામડાઓમાં નાઈટ વોલ્ટ કરી સવારે વિદ્યાર્થીઓને અને પ્રવાસીઓને લેવા જાય છે એ તમામ પાંચ બસ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી લીધેલ હતી. બાદ આજે વહેલી સવારે ૬ વાગ્યે ધોરાજી રૂટની એસ.ટી. બસ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતેથી રવાના થતા ભાડેર ગામ પાસે પહોંચતા કોઈ અજાણ્યા શખ્સો એ બસ પાછળના ભાગે પથ્થરમારો કરતા ઈમરજન્સી ખીડકીનો કાચ તુટી ગયેલ, આ સમયે એસ.ટી. બસના ડ્રાઈવર અનિરૂદ્ધસિંહ બળવંતસિંહ વાઘેલા, કંડકટર જયપાલસિંહ સરવૈયાએ તાત્કાલીક પાટણવાવ પોલીસને બનાવ અંગે જાણ કરતા તાત્કાલીક પાટણવાવ પોેલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડ્રાઈવરની ફરીયાદ લઈ રૂ. ૧૫૦૦ની નુકશાનીની ફરીયાદ અજાણ્યા શખ્સો સામે નોંધી તપાસ હાથ ધરેલ છે અને જેતપુરના ડીવાયએસપી શ્રી દેશાઈ તાત્કાલીક ભાડેર ખાતે દોડી ગયા હતા.

ધોરાજીનું ભાડેર ગામ ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતુ મોટુ ગામ છે અને કાયદો અને વ્યવસ્થા ન કથળે એ માટે ચાલતો બંદોબસ્ત અને આ વિસ્તારની તમામ એસ.ટી. બસનો વ્યવહાર હાલ પુરતો બંધ કરી દેવામા આવ્યો છે.

ઉપરોકત બનાવ અંગે પાટણવાવના કે.કે. ગોહીલે તપાસ સંભાળી છે.

તળાજા

ભાવનગરઃ તળાજા-રબારીકા રૂટની એસ.ટી. બસ પર ગતરાત્રે બસ ડેપો ખાતે પરત ફરતી હતી ત્યારે વરલ નજીક અજાણ્યા શખ્સોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારો પદ્માવત ફિલ્મને લઈને નહી પરંતુ અંગત રાગદ્વેષ રાખીને કરવામાં આવ્યો હોવાની વાત જાણવા મળી રહી છે.

તળાજા એસ.ટી. ડેપોની શિહોરના રબારીકા ગામે રાત્રી રોકાણ કરતી વર્ષોથી આજ રૂટ પર ચાલતી બસ ગત રાત્રીના સમયે પદ્માવત ફિલ્મને લઈ આંદોલન ચાલતુ હોય રાત્રી રોકાણ ન કરીને તળાજા પરત ફરતી હતી. બસમાં કોઈ પેસેન્જર હતા નહી બસ વરલ નજીકના દેકડી ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે અજાણ્યા શખ્સો એ બસ પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારો કરવાના કારણમાં આ બસ દિહોર, ઉમરલા, બેલા, ટામા, સમયોપાળ, વરલ જેવા અંતરીયાળ ગામડાના મુસાફરો માટે આશિર્વાદ સમાન હોય તેથી કેટલાક ખાનગી વાહનધારકો આ બસ બંધ થાય તેવુ હીત ધરાવતા લોકો બસ બંધ કરાવવા પથ્થરમારો કરેલ હોવાનુ ગામડાના લોકો દ્વારા જાણવા મળ્યુ હતું.

(11:48 am IST)