Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ભચાઉના જુના કટારીયા ગામે લહેરાશે ધર્મની ધજા... કાલે મોમાઇ માતાજીની સાક્ષીએ હોમાશે 'આહુતિ'

આઠમે મહાયજ્ઞમાં પુજન-અર્ચન, મહાપ્રસાદનો લ્હાવો લેવા સમસ્ત જાડેજા કાયાણી પરિવારમાં અનેરો ઉમંગ

રાજકોટ,તા.૨૪ : વિક્રમ સવંતમાં મહા  મહિનાનો પ્રારંભ થતાની સાથે જ એકમથી નોમ સુધી સતત નવ દિવસ દરમિયાન ભાવિકો માતાજીના પુજન-અર્ચન અને ભકિત કરી જીવનમાં પુણ્યનું ભાથુ બાંધે છે...એવી જ રીતે મહા માસના નોરતામાં આઠમનું અનેરૂ મહત્વ રહેલુ છે...મહાસુદ આઠમે તમામ ધર્મસ્થાનોમાં આસ્થાના ઘોડાપુર ઉમટી પડે છે.એવી જ રીતે ભચાઉના જુના કટારીયા ગામે પણ સમસ્ત જાડેજા કાયાણી પરિવારજનો 'ધર્મલાભ' લેવા અધીરા બની રહયા છે.

કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં આવેલા જુના કટારીયા ગામે બિરાજમાન સમસ્ત જાડેજા કાયાણી પરિવારના આસ્થાનું કેન્દ્રસમા શ્રી મોમાઇ માતાજીના મંદિરે પણ ધર્મભીના માહોલ વચ્ચે આસ્થાભેર આઠમના પવિત્ર દિવસે ગુરૂવારે તા.રપમીના  નવરાત્રી મહાયજ્ઞ યોજાનાર છે...જેમાં સવારે ૯ વાગ્યે શુભ મુહુર્તે પ્રારંભ થયા બાદ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે  ટેમુભા દિલુભા જાડેજા (ગુંગણ,તા.મોરબી) સાથે  સર્વ યજમાન દંપતિઓ દ્વારા ધર્મરૂપ આહુતિઓ આપવામાં આવશે...ખુશીની વાત એ પણ છે કે, પ્રસાદ વ્યવસ્થા પણ ટેમુભા પરિવાર તરફથી રહેનાર છે.

મહાયજ્ઞનો લ્હાવો લેવા સમસ્ત જાડેજા કાયાણી પરિવારના સૌ સદસ્યો ઉત્સાહિત છે...આ પ્રસંગે તમામ પરિવારજનોને લાભ લેવા શ્રી મોમાઇ માતાજી મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

(11:46 am IST)