Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય ભારતીય પરંપરાના ૪ પાયાઃ પૂ. ભાઈશ્રી

પોરબંદર હરિમંદિર પાટોત્સવમાં ગાયના ચારા માટે તુલાદાનઃ શિક્ષિકા તથા મહાનુભાવો દ્વારા ગૌશાળામાં દાન

જૂનાગઢ, તા. ૨૪ :. ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય છે તેમ પૂ. ભાઈશ્રીએ હરિમંદિરના પાટોત્સવમાં જણાવેલ હતું.

રાષ્ટ્રીય સંત શ્રી પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યા નિકેતનમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે ત્યારે હાલમાં શ્રી હરિમંદિર પાટોત્સવ દરમિયાન માનવીય સેવા યજ્ઞો તો ચાલે છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શાસ્ત્રોમાં ગાય માતાનું અનેરૂ મહત્વ છે ત્યારે પૂ. ભાઈશ્રી દ્વારા શ્રી સાંદીપનિ વિદ્યા નિકેતનની ગૌશાળામાં ૨૫૦ ગીર ગાયો તેમજ અન્ય વાછરડા-વાછરડી ૩૪૦ ગાયો સાથે સુચારનપણે સંચાલન થઈ રહ્યુ છે અને ગીર ગાયના સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસો થઈ રહ્યા છે.

આપણા શાસ્ત્રોમાં પણ કહ્યુ છે કે દાનમા 'ગૌદાન'નું ખૂબ જ મહત્વ છે તેથી દરેક વ્યકિતએ જીવનમાં પોતાના વજન જેટલુ દાન એક વખત તો કરવું જ જોઈએ.

તાજેતરમાં શ્રી હરિ પાટોત્સવમાં ગાયના ચારા માટે પૂ. ભાઈશ્રી સહિત અનેક મહાનુભાવોએ ગોળનું તુલાદાન કરીને સમાજને દાનમાં પણ નવતર પ્રયોગ દર્શાવ્યો.

નિવૃત શિક્ષિકા લીલાબેન ધનજીભાઈ પરમાર દ્વારા સ્વર્ગસ્થ ધનજીભાઈ કલાભાઈ પરમારની સ્મૃતિમાં શ્રી સાંદીપનિ વિદ્યા નિકેતન સંચાલિત ગૌશાળામાં ગાય પૂજન માટેની 'ગો કુટીર' બનાવી આપવા સહિત ગાયોની સેવા અર્થે રૂ. ૫,૦૦,૦૦૦ રૂપિયા (પાંચ લાખ રૂ.) જેવી રકમ દાનમાં આપીને ખરા અર્થમાં શિક્ષણને આત્મ સાક્ષાત્કાર કરવાનુ ઉદાહરણ પુરૂ પાડયુ છે.

તેઓએ જણાવ્યુ કે, મારી જીંદગીની જરૂરીયાત સિવાયની જે રકમ છે એ સાચા અર્થમાં રાષ્ટ્રના કલ્યાણ માટે અને જીવ માત્રના કલ્યાણ માટે પૂજ્ય ભાઈશ્રીએ સેવાની જ્યોત માત્ર પોરબંદર કે ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવવા પ્રયાસ કરી રહ્યા છે અને આપણને સૌને આશિર્વાદ આપીને સાચુ જીવતર શીખવી રહ્યા છે ત્યારે આ સેવાયજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ તે મારા અને મારા પરિવારની ધન્યતા છે.

રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રીએ વધુમાં જણાવ્યુ કે, ગાયમાતાનું દર્શન એટલે બધા જ દેવતાઓના સાક્ષાત દર્શન થયાનો અનુભવ કરી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપાલ કહેવાયા તેઓએ જણાવ્યું કે શ્રીમદ્દ ભાગવત કથાના માધ્યમથી ગાયોની સેવા થાય તેવા પ્રયાસો અમારા સતત રહેતા હોય છે સાથે ગાયોની સેવા પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ પણ કરતા અને ધન્યતા અનુભવતા પૂજ્ય ભાઈશ્રીએ આશિર્વાદ પાઠવી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.

શ્રી હરિ મંદિર પાટોત્સવના મનોરથી અને તાજેતરમાં શ્રી સાંદીપનિ ગૌરવ એવોર્ડ પૂ. ભાઈશ્રી દ્વારા 'રાજર્ષિ' એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી બજરંગલાલ તાપડિયા શ્રી સાંદીપનિના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ ઓઝા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)