Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઉનાની જૂની કન્યા શાળાનો ૧૬૩મો સ્થાપના દિવસ ઉજવાયો

સાંસ્કૃતિક કાર્યક્રમ અને દાતાઓનું સન્માન

ઉના, તા. ૨૪ :. પોસ્ટ ઓફિસ ચોકમાં હાલ કાર્યરત જૂની કન્યા પ્રાથમિક શાળાનો ઈતિહાસ રસપ્રદ છે. ભારત આઝાદ નહોતુ થયું ત્યારે જે તે સમયના રાજાઓએ કન્યા કેળવણીની ચિંતા કરી હતી. રજવાડાના રાજાઓએ ૨૦-૧-૧૮૫૬માં કન્યા શાળાની સ્થાપના કરી હતી. સમયાંતરે પ્રાથમિક શાળામાં જગ્યા અને રૂમના અભાવે જગ્યા બદલાતી રહેતી હતી. અંતે હાલમાં ઉના શહેરમાં પોસ્ટ ઓફિસ ચોકમાં આઝાદી પહેલાથી જૂના નળીયાવાળા મકાનમાં પ્રાથમિક કન્યા શાળા શરૂ થયેલ હતી.

સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવુ બિલ્ડીંગ પણ થોડા વર્ષોથી બાંધી આપેલ છે. હાલમાં શાળામાં ધો. ૧ થી ૫ સુધીની આર્થિક પછાત કન્યાઓની મોટી સંખ્યામાં શિક્ષણ લઈ રહી છે. શાળાના આચાર્ય તથા શિક્ષક-શિક્ષિકા બહેનો સંપૂર્ણ ફરજ અને નિષ્ઠાથી અભ્યાસ કરાવી રહ્યા છે. તેમજ ઈત્તર પ્રવૃતિથી બાળકોની બુદ્ધિનો વિકાસ કરી રહ્યા છે. આ શાળાનો ૧૬૩મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતી નાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ - સ્વાગત ગીત, નૃત્ય નાટીકા ભજવી હતી. આ પ્રસંગે શાળામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયુ હતું. આ શાળામાંથી ઘણી દીકરીઓ પ્રાથમિક શિક્ષણ લઈ ઉચ્ચ અભ્યાસ કરી શાળાનું નામ રોશનના કરેલ છે. ૧૬૩ વર્ષ દરમ્યાન આ શાળાએ હજારો લાખો મહિલાઓને શિક્ષણ આપી સન્માનીત જીંદગી જીવવા પ્રેરણારૂપ બનેલ છે. તે ગૌરવની બાબત શાળાના આચાર્ય શ્રી રાઠોડે જણાવ્યુ હતું.

(11:36 am IST)