Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મુખ્યમંત્રીના હસ્તે દેશના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટનું ભુમીપૂજનઃ૧પ હજાર કરોડનું રોકાણ, પ હજારથીએ વધુને રોજગારી

ફુંદરોડી-મુંદરા મધ્યે ચીનથી ટીનશાન સ્ટીલ કંપની અને ઇસ્કોન ગ્રુપનું સંયુકત સાહસ

ભુજ, તા., ર૪: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ફુંદરોડી (મુંદરા) મધ્યે ચાઇનીઝ કંપની ટીનશાન સ્ટીલ અને તેમની સાથે સંયુકત સાહસ કરનારા ઇસ્કોન ગ્રુપ દ્વારા શરૂ થનારા સ્ટીલ પ્લાન્ટનું ભુમીપુજન કરાયું હતું. પ૦૦ એકરમાં પથરાયેલ આ નવો સ્ટીલ પ્લાન્ટ દોઢ વર્ષમાં કાર્યરત થઇ જશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ઔદ્યોગીક પોલીસીને ગુજરાત સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનના કારણે ગુજરાત ઔદ્યોગીક વિકાસમાં આગળ છે. વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની ટીનશાન દ્વારા ગુજરાતમાં શરૂ થઇ રહેલા આ સ્ટીલ પ્રોજેકટના કારણે પ હજારથીએ વધુ લોકોને રોજગારી મળશે.  ૩૦ હજાર ટન સ્ટીલ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં સ્ટીલ ઉત્પાદન કરતું મોટુ રાજય બની જશે.

ચીનની ટીનશાન કંપનીના ચેરમેન પી.શોને ચીની ભાષામાં સંબોધન કરેલ. ગુજરાત સરકારનો આભાર માન્યો હતો અને આ પ્રોજેકટને સફળ બનાવવા કોલ આપ્યો હતો.

ઇસ્કોન ગ્રુપના ચેરમેન અને ચાઇનીઝ કંપની સાથે ભાગીદારમાં આ પ્લાન્ટ સ્થાપનાર પ્રવિણભાઇ કોટકે જણાવ્યું હતું કે આ સમગ્ર સાહસમાં કુલ ૧પ હજાર કરોડનું મુડી રોકાણ થશે. આ પ્રસંગે સમગ્ર પેજેકટમાં મુખ્ય ભુમીકા ભજવનાર ધવલ આચાર્યનું વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં અદાણી સહીત અન્ય ઔદ્યોગીક એકમોનાં પ્રતિનિધિઓ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન સહીત આમંત્રીત મહેમાનો સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સંસદીય સચિવ વાસણભાઇ આહીર, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)