Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિવાળી વેકેશન ટાણે જ ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા બંધ : સૌરાષ્ટ્રવાસીઓમાં કચવાટ

ભાવનગરના ઘોઘા ખાતે શરૂ કરાયેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા છેલ્લાં ઘણા દિવસથી બંધ છે. દક્ષિણ ગુજરાતના દહેજ ખાતે અવારનવાર કાપ ભરાઇ જાય છે અને સમયસર ડ્રેઝિંગ ન થવાના કારણે ફેરી સેવા સ્થગિત કરવા ઈન્ડીગો કંપનીને ફરજ પડે છે. પરંતુ દિવાળી વેકેશન હવે શરૂ થઈ ગયું છે, જેમાં લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ રો-રો ફેરી સેવાનો લાભ પણ લે છે. કેટલા દિવસો સુધી રો-રો ફેરી સેવા બંધ રહેશે તે હાલ પૂરતું નકકી નથી.

ગુજરાતનો દરિયા કિનારો અતિ સમૃદ્ધ માનવામાં આવે છે. દરિયા કાંઠે વસેલા શહેરોમાં ખૂબ મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા છે અને આવન-જાવન માટે રોડ માર્ગ ખૂબ લાંબો છે. જેના કારણે સમય અને પૈસા બન્નેનો બગાડ થાય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા ઘોઘા-દહેજ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો

  સરકારે થોડા દિવસ પહેલા જ રો-રો ફેરી સર્વિસ ફરી બંધ કરી દીધી છે. જેના કારણે ઉદ્યોગકારોને ફરી સમય અને પૈસાનો વેડફાટ સહન કરવાનો વારો આવ્યો છે. ફેરી સર્વિસ બંધ કરવા પાછળ મુખ્ય અને મહત્વપૂર્ણ બાબત ડ્રેઝિંગની સમસ્યા છે, જેમાં દહેજ ટર્મિનસ પર મોટી માત્રામાં કાંપનો ભરાવો થઇ જતાં સમુદ્રમાં બનાવેલ ચેનલ ભરાઈ જાય છે. પરિણામે શીપને પુરતા પ્રમાણમાં પાણીનો ડ્રાફટ ન મળતાં શિપના વિન્ડ કાપમાં ખૂપી જાય છે અને શીપને નુકશાન થાય છે.

  તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં દક્ષિણ ગુજરાતની તાપી, નમૅદા, મહી, વિશ્ર્વામિત્રી સહિતની નદીઓમાં ભારે પૂર આવ્યાં હતાં. આ પૂર સાથે મોટી માત્રામાં કાપ-માટી, કચરો પુરના પ્રવાહ સાથે ઘસડાઈને ખંભાતના અખાતમાં ઠાલવાયો હતો. આ કાપ દરિયાના હેવી કરંટના કારણે દહેજ ટર્મિનસ સ્થિત ચેનલ સુધી પહોંચી રહ્યો છે અને એ ચેનલ પૂરાઈ રહી છે. રો-રો ફેરી સેવા નિર્વિઘ્ન રીતે ચલાવવા માટે નિયમિત રીતે ડ્રેઝિંગ કરવું અત્યંત જરૂરી છે, ત્યારે જીએમબી દ્વારા આ બાબતે સતત ઉદાસીનતા દાખવવામાં આવતા ફેરી સર્વિસને ગ્રહણ લાગી ગયું છે. અત્યાર સુધીમાં આ પ્રોઝેકટ પાછળ આસરે ૬૦૦ કરોડ જેવી રકમ ખચૉઈ ચૂકી છે.

(1:28 pm IST)