Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વ્યાજખોરોથી ત્રાહિમામ જેતપુરના વેપારી પુત્રના જન્મદિને જ મરવા મજબુર થયા : બેની અટકાયત

તુલસી સુપર માર્કેટના સંજયભાઇ જાગાણીને વ્યાજખોરો રૂપિયા આપો નહિતર મોલમાંથી ભરેલ માલ સાથે કાઢી મુકીશુ તેવી ધમકી આપતા'તા : અંતિયાત્રામાં કરૂણ દૃશ્યો સર્જાયા

જેતપુર, તા. ર૩:  દિવાળીના તહેવાર સમયે જ વ્યાજખોરોના ત્રાસથી તુલસીસુપર માર્કેટના માલીકે પોતાની કારમાં જ ઝેરી દવા પી મોત મીઠુ કર્યુ તેના પિતાના નિવેદનના આધારે ૪ શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધી ર ની અટકાયત કરી છે. પોલીસ તપાસ બાદ કેટલા રૂપિયાનો મામલો છે તે બહાર આવશે.

જાણવા મળતી વિગતો અનુસાર દેસાઇવાડી શાકમાર્કેટ વિસ્તારમાં તુલસી સુપરમાર્કેટ નામનો મોલ ધરાવતી સંજયભાઇ ચીમનભાઇ જાગાણી ગઇકાલે સવારે તેનાભાઇ રાકેશભાઇને મોલમાં બેસાડી કંઇક કહ્યા વગર જતા રહેલ પીઠડીયા ટોલનાકા પાસે પોતાની કાર પાર્ક કરી પાછલી સીટે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધેલ આ અંગેની જાણ વીરપુર પોલીસને કરાતા પોલીસે બનાવતા સ્થળે પહોંચી મૃતકનાં કપડાની તલાસી લેતા તેમાંથી સ્યુસાઇડ નોટ, ચેર રીર્ટન નોટીસ મળીઅ ાવેલ તેના પરથી તેના વાલીની તપાસ કરી તેમના પરિવારને જણાવતા ભાંગી પડેલ. પોલીસે ડેડ બોડીને પી.એમ. માટે સરકારી હોસ્પિટલે ખસેડેલ હતી. સંજયભાઇના પિતાનું નિવેદન લેતા તેમણે જણાવેલ કે છેલ્લા થોડા સમયથી વ્યાજખોરો મારા પુત્રને ધમકી આપતા હતા. અમારા રૂપિયા આપી દે જે નહિતર મોલમાંથી ભરેલ માલ સાથે કાઢી મુકશુ જેમાં રાજુભાઇ બાવીસા, રાજુભાઇ દેવીપૂજક, ગીરૂભાઇ દરબાર કે જે જી.ઇ.બી.માંને નોકરી કરે છે તેમજ ભીખુભાઇ દવેના નામો આપેલ હોય પોલીસે તેમાંથી રાજુભાઇ મોતીભાઇ સોલંકી, ચંદ્રસિંહ (ઉર્ફે ગીરૂભાઇ) કેસરીસિંહ હાંડાની અટકાયત કરી છે.

જો કે કેટલા રૂપિયા કોની પાસેથી લીધેલ હતી. કેટલા આપતા હતા તે સાચો આંકડો હજી બીજી ર લોકોની ધરપકડ થયા બાદ જ બહાર આવશે. સંજયભાઇમાં મૃતદેહ જયારે ઘેર લાવવામાં આવ્યો ત્યારે પરીવાર ઉપર આભ ફાટી પડેલ સંજયભાઇના પત્ની મેનાબેન, પ્રિયાંસી તથા પુત્ર અક્ષીતે પિતાની છાત્રછાંયા ગુમાવી હતી.

વિધીની વક્રતા કેવી છે જોગાનુજોગ ગઇકાલે સંજયભાઇના પુત્ર અક્ષીતનો જન્મ દિવસ હતો પુત્રના જન્મ દિવસની ખુશી માતમમાં ફેરવાઇ ગયેલ હતી.

લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે ભુતકાળમાં પણ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાના બનાવ બન્યા છે ફરી એક જીંદગી વ્યાજના વીશ ચક્રમાં હોમાઇ છે તંત્ર કડક હાથે કામગીરી કરી ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાધીરતા તેમજ ફાયનાન્સ પેઢીઓની પણ તપાસ કરી યોગ્ય પગલા લેવા જોઇએ જેથી ફરી કોઇ જીંદગી ન હોમાય અને પરિવાર પિતાની છત્રછાંયા ન ગુમાવે.

(1:12 pm IST)