Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અમરેલી જિલ્લા કલેકટરે આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી

ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ રસીકરણ જેવા વિષય પર ચર્ચા કરાઇ

અમરેલી, તા.૨૩:કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેકટરશ્રીએ ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ જેવા વિવિધ વિષયો ઉપર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં થયેલા કેસોની સમીક્ષા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસમાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા લગભગ ૧૦૦ જેટલા કેસો, પોલીસ વિભાગ દ્વારા ૧૪ કેસો, આરોગ્ય વિભાગ દ્વારા ૭૫ કેસો, નગરપાલિકા વિભાગ દ્વારા ૧૩૦ કેસો એમ કુલ મળી ૩૦૭ જેવા કેસો નોંધવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગને વધુ પ્રમાણમાં કાર્યરત થઇ કેસો નોંધવા સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમ - ૨૦૦૩ની વિવિધ કલમોનું ચુસ્ત પાલન થાય અને કલમોના ભંગ બદલ નિયમિત દંડની વસુલાત કરી તાત્કાલિક રિપોર્ટ કરવા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં રાજય સરકાર દ્વારા ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં સંપૂર્ણપણે અમલ થાય એ માટે કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.

આરોગ્ય ખાતા દ્વારા પાણીજન્ય રોગચાળા બાબતે અગમચેતીના ભાગરૂપે કલોરીનેશન અંગેનું મોનીટરીંગ, પાઈપલાઈન લિકેઝિસ, સ્વચ્છતા કામગીરી, કલોરીન ટેબલેટ વિતરણ, ફીવર તેમજ વોટરબોર્ન ડીઝીઝ સર્વેલન્સની કામગીરી દૈનિક ધોરણે હાથ ધરવામાં આવી છે. તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પાણીના સ્ત્રોતોમાં કલોરિનેશનની કામગીરી વધુ સુદ્રઢ કરી છેવાડાના ગામ સુધી કલોરીનયુકત પાણી ઉપલબ્ધ કરાવવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકોમાં ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ. ડોબરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો. એ. કે. સિંહ, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી તથા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)