Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો છીનવી લીધો

ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ જીલ્લામાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકમા નુકશાન

પ્રથમ અને બીજી તસ્વીરમાં વેરાવળ પંથક તથા માળીયાહાટીનામા મગફળીના પાકમા ભરાયેલ પાણી નજરે પડે છે

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે કાલે ગીર સોમનાથ, અમરેલી,જુનાગઢ જીલ્લામાં ૧ થી ૩ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના હાથમા આવેલ કોળીયો ઝૂંટવાઇ ગયો છે.

મગફળી,કપાસ સહિતના પાકમા ભારે નુકશાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

માળીયાહાટીના

ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ માવઠુ પડ્યું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીને નુકશાન થવાની ભીતી છે.

જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયું છે. જુથળ,પાણીધ્રા,ગળોદર,ભંડુરી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

ભારે વરસાદના કારણે પાકમા નુકશાન થયુ છે અને ખેતરોમાં ધોવાણ થયુ છે.

ભાવનગર

ભાવનગર : અરબી સમુદ્રમાં અપર એર સર્કયૂલેશન ના કારણે હવામાન વિભાગ ની આગાહી.મુજબ આજે સવારથીજ ભાવનગરના  તળાજા અને ખાસ કરીને દરિયા કિનારે આવેલ ગામડાઓ નું વાતાવરણ ગોરમભાયેલું રહ્યો હતું.ઝરમર થી લઈ અડધા ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતરમાં પડેલ ખાસ કરીને મગફળી ને સૌથી વધુ નુકશાન છે.

વરસાદ હવે ખેડૂતો માટે વિલન બની રહ્યો છે.એક તરફ દિવાળી નું પર્વ ઉજવવા ખેૂડતો અને ખેતમજુરો ઉત્સાહીત છે તો બીજી તરફ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન વેઠવું પડી રહયુ છે. આજે વહેલી સવારે આકશ ગોરમભાયેલું જોવા મળેલ.

તળાજા ના પીથલપુર, કેરાળા, આમળા,ઝાંઝમેર, મધુવન,વાલર,દાઠા, બોરડા અને તળાજા માં ઝરમર થી લઈ સામાન્ય ધારે અડધા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.અમુક ગામડાઓમાં નાળા ઓ વહેતા થયા હતા. જેને લઈ ખેડૂતએ ખેચેલી મગફળી વાડી માં પડેલ હોય પાથરાઓ પલળી જતા પશુ ને નીરવ માટે નું ચારોલું બગડી ગયુ હતુ.જેના કારણે ખેડૂતો ન બેવડો માર પડ્યો.

પશુ પાલકોમાટે મગફળી નું ચારોલું આખું વર્ષ ચાલે છે.એ પણ બગડી જતા ભવિષ્યમાં પશુઓનું નિરણ મોંદ્યુ બનશે તેની સાથે દૂધ પણ મોંદ્યુ બનશે તેવી એંધાણી છે.

તળાજા ના કામરોલ.ગામના ખેડૂત યુવરાજસિંહ સરવૈયા ના જણાવ્યા પ્રમાણે ખેડૂતો ની હાલત દયનિય છે. સતત વરસાદ ના કારણે કપાસ ની પહેલી વિણ નિષફળ ગઈ. મગફળી ને પણ નુકશાન હતુંજ ત્યાં હવે દિવાળી સમએજ કમોસમી.વરસાદ થતાં ખેડૂતો ની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની છે.

વેરાવળ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાનાં વડોદરા ડોડીયા, કીંદરવા,સીમાર,આદ્રી, પાલડી સહિત અનેક ગામોમાં બપોર બાદ જોરદાર વરસાદ પડેલ છે બે થી ત્રણ ઇંચ વરસાદ વરસવાને કારણે ખેતરોમાં કાઢેલ મગફળીને જોરદાર નુકશાન થયેલ છે.

વડોદરા ડોડીયાના કેળવણીકાર અને મંડળીના પ્રમુખ દાનસિંહભાઇ પરમારે જણાવેલ કે વડોદરા ડોડીયામા મોટાભાગના ખેડુતોની મગફળી અત્યારે ખેતરોમાં પાથરા પડેલા છે અને તે તમામ મગફળીના પાથરા પલળી ગયેલ છે અને ખેતરોમાં પાણી ભરાયેલ છે. તેમજ થ્રેસરમાં મગફળી કાઢી રહેલા હતા તે પણ પલળી ગયેલ છે.

વેરાવળ તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસેલ છે અને  મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડેલા છે જેના કારણે ખેડુતોને મોટા પ્રમાણમા નુકશાન થયેલ છે અને ચાર માસની મહેનત બાદ જયારે મગફળી કાઢવાનો સમય આવતાં વરસાદ પડતાં ખેડુતો આશા પર પાણી ફરી વળેલ છે સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી સહિતના ગામોમાં પણ વરસાદ વરસેલ છે અને મગફળીનાં પાથરા પલળી ગયેલા છે.

ધારી

ધારીઃ ચોમાસાની ઋતુ પુરી  થવા છતાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો ખેતરમાં  પડેલા પાકની લલણી ચાલુ હોય આ વરસાદ પડવાથી ખેડુતોને નૂકશાન થયું છે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગીર દલખાણીયામાં વરસાદ પડેલ છે.

(11:35 am IST)