Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભાવનગરમાં રાત્રે અડધો ઇંચઃ માવઠા બાદ ઠંડકમાં વધારોઃ વાદળા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એકજ દિવસમાં ત્રણ રૂતુનો અનુભવ

રાજકોટ તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એકજ દિવસમાં ત્રણ રૂતુનો અનુભવ થઇ રહ્યો છે વહેલી સવારે અને રાત્રીના ઠંડા પવન સાથે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. અને શિયાળા જેવુ વાતાવરણ અનુભવાય છે.

જયારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળું વાતાવરણ છવાઇ જાય છે. અને બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

જયારે સાંજના સમયે કોઇ કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે. અને માવઠા બાદ ઠંડકમાં વધારો થાય છે.

ભાવનગર

ભાવનગર ભાવનગરમાં રાત્રે ભારે પવન સાથે અર્ધોઇંચ કમોસમી વરસાદ પડયો હતો જીલ્લાના પાલીતાણા, તળાજા-મહુવા પથંકમાં પણ કમોસમી વરસાદ પડયો છે શહેરમાં વરસાદથી ફટાકડાના વેપારીઓની કફોડી હાલત થઇ છે જયારે જીલ્લામાં ગ્રામ્ય પંથકનો વરસાદથી ખેડુતો પણ પાક નિષ્ફળ જવાની ચિંતામાં મુકાયા છે. ભાવદર શહેર-જીલ્લામાં ગઇકાલે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો શહેરમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો વરસાદને કારણેે ફટાકડાની દુકાનો કે લારીઓવાળા, વેપારીઓ ચિંતામાં મુકાયા છે. સતત ભેજવાળા વાતાવરણથી ફટાકડાની  ઉપર અસર થાય છે. દિવાળી પહેલાના છેલ્લા સપ્તાહમાં માંડ હવે ઘરાકી જામવાના અણસાર હતો ત્યા વરસાદ આવતા વેપારીઓ ચિંતામા મુકાયા છે.

જીલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા પંથકના ગામોમાં પણ વરસાદ પડયો છે. વરસાદથી ધરતીપુત્રો નુકસાન થવાની સંભાવનાને લઇ ચિંતામાં મુકાયા છે.

દરમ્યાન આજે બુધવારે સુર્યનારાયણે દર્શન દેતા ઉઘાડ નીકળતા લોકોમાં હાશકારો થયો હતો.

(11:35 am IST)