Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભગવાન કાળીયા ઠાકોરને તેમના પરમ ભક્ત બોડાળા દ્વારકાથી ગાડામાં બેસાડીને ડાકોર લાવ્યા હતાઃ ભવ્ય ઇતિહાસ

દ્વારકા :રણછોડજીની સાથે તેમના ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ રીતે જોડાયેલી છે. એટલે જ વાર તહેવારે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળતુ હોય છે. આપણે વાત કરીશુ કે, ઠાકોરજી કેવી રીતે ડાકોર પધાર્યા હતા, કેવી રીતે ભગવાનના ભક્તનું બન્યુ મંદિર અને ઠાકોરજી ક્યારે ક્યારે પત્ની લક્ષ્મીજીને મળવા માટે જાય છે. આવતીકાલે જન્માષ્ટમી હોઈ જાણીએ ડાકોરના ભવ્ય ઈતિહાસ વિશે...

ભક્ત બોડાળા સાથે ભગવાન આવ્યા હતા

કહેવાય છે કે ભગવાન કાળીયા ઠાકોરને તેમના પરમ ભક્ત બોડાળા દ્વારકાથી ગાડામાં બેસાડીને લઇ આવ્યા હતા. સંવત 1212માં ડાકોર ખાતે આવ્યા બાદ ભગવાનજી પહેલા ગોમતી તળાવમાં છુપાયા હતા, જ્યાંથી તેઓ ભક્ત બોડાળા સાથે મંદિરમાં રહ્યા. બાદમાં સંવત 1500માં ભગવાન તેમના પત્ની લક્ષ્મીજી સાથે મંદિરમાં રહ્યા હતા. જે બાદ ઈ.સ. 1777ની મહાવદ પાંચમના રોજ ગાયકવાડ સરકારના મુનીમો દ્વારા ભગવાનની મુર્તિની આ મુખ્ય મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી.

ચારધામ પછી ડાકોરના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે

ભક્ત બોડાળા ભગવાનની પૂનમ ભરવા દ્વારીકા જતા હતા, પરંતુ તેઓની ઉંમર થતા તેઓએ ભગવાનને જણાવ્યું હતું કે હવે હુ નહી આવી શકુ. જેથી ભગવાને તેમને કહ્યું હતું કે તું ફરી આવે ત્યારે ગાડુ લઇને આવજે, અને તે સમયે ભગવાન બોડાળા સાથે ગાડામાં બેસી યાત્રાધામ ડાકોર આવ્યા હતા. અહી માન્યતા છે કે, ચારધામની યાત્રા કર્યા પછી ડાકોરના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે તેવુ અનુમાન છે. ડાકોરમાં વૈષ્ણવ સંપ્રદાયથી સેવા પુજા થાય છે. સવારે મંગળા આરતીથી સાંજે સુખડી ભોગ સુધીના દર્શન થાય છે. ડાકોરના વૈષ્ણવો આરતીનો અનેરો લાભ લેતા હોય છે. અહીના લોકો જો મંગળા આરતીના દર્શન કરવાના રહી જાય તો ઉપવાસ કરે છે, અને સાંજે શયનની આરતી કરી ઉપવાસ તોડતા હોય છે.

ભગવાનની સાથે ભક્ત બોડાળાનું પણ મંદિર છે

યાત્રાધામ ડાકોરમાં અનેક મંદિરો છે. જેમાં રણછોડજી મંદિર, ભક્ત બોડાળા મંદિર, લક્ષ્મીજી મંદિર, ભગવાન બજરંગ બલી, ભગવાન શિવ અને અનેક જુદા જુદા મંદિરો છે. રાજા રણછોડને ડાકોરમાં લાવનાર ભક્ત બોડાળાને આજે પણ ભક્તો યાદ કરે છે. એટલે જ ભક્ત બોડાળાને પણ ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. યાત્રાધામ ડાકોરમાં ભગવાનના પત્ની લક્ષ્મીજીના મંદિરની બાજુમાં જ ભક્ત બોડાળાનું પણ મંદિર આવેલું છે. ભક્ત બોડાળા ભગવાનને ગાડામાં બેસાડી ડાકોર લાવ્યા હતા, જે બાદ થોડો સમય ભગવાન બોડાળા સાથે જ રહ્યા હોવાનું પુરાણોમાં લખાયુ છે. જે ભક્તો રાજા રણછોડના દશર્ન કરવા આવે તેઓ લક્ષ્મી માતાના દર્શન કર્યા વગર પરત જતા નથી. ખુદ ભગવાન દર શુક્રવાર અને અગિયારસને દિવસે પત્ની લક્ષ્મીજીને મળવા તેમના મંદિર જાય છે. અને તેથી જ તો કહેવાય છે કે ઠાકરોજીની સાથે લક્ષ્મીજીના દર્શન અચૂક કરવા જરૂરી છે.

ધ્વજાનું શુ મહત્વ છે

ભગવાન જ્યારથી દ્વારકાથી ડાકોર આવ્યા ત્યારથી ભગવાનને ધ્વજા ચઢાવાય છે. જેની મનોકામના અહીં પૂર્ણ થાય છે, તેઓ ડાકોર આવીને ધ્વજા ચઢાવતા હોય છે. ધ્વજા ચઢાવવાની બાધા રાખવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

પૂનમ ભરવાનું મહત્વ

યાત્રાધામ ડાકોરમાં પૂનમ ભરવાનું પણ એક અનેરૂ મહત્વ રહેલું છે. દર ફાગણી પૂનમે તો લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા ડાકોર ખાતે આવતા હોય છે. જેમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, સુરત જિલ્લાના યાત્રાળુઓ વિશેષ હોય છે. આ ઉપરાંત ડાકોરમાં જન્માષ્ટમી, હોળી, દિવાળી, દેવ દિવાળી ના તહેવારોની પણ વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે.

 

(4:42 pm IST)